બહેનપણીઓને મારો બોયફ્રેન્ડ બબૂચક લાગે છે!

પ્રશ્ન : મારી હમણાં જ સગાઇ થઇ છે. મારો ફિયાન્સે અને સાસરિયાં બહુ જ સારાં છે. તેઓ સંયુક્ત પરિવારમાં રહે છે. મારી ફ્રેન્ડ મને કહેતી હતી કે સંયુક્ત પરિવારમાં રહેવા માટે બહુ એડજસ્ટમેન્ટ કરવું પડે છે. મને તેની વાત સાંભળીને બહુ ડ-ર લાગે છે. સંયુક્ત પરિવારમાં રહેવાથી શું ફાયદો થાય? એક યુવતી (રાજકોટ)

ઉત્તર : સંયુક્ત પરિવારમાં રહેવાના પોતાના આગવા ફાયદા છે. સંયુક્ત પરિવારમાં રહેવાથી તમને વસ્તુને શેર કરવાનું શીખવા મળે છે. ક્યારેક ક્યારેક જીવનમાં એવો સમય આવી જાય છે જ્યારે આર્થિક સમસ્યા ઉભી થાય છે. આવા સમયમાં પણ સંયુક્ત પરિવાર ઘણો સધિયારો આપે છે. જે લોકો એકલા રહેતા હોય છે તેઓ વીજળી, પાણી, ગેસ જેવી વસ્તુનો વધારે ખર્ચ કરતા હોય છે. જે ઘરમાં ઘણા લોકો રહેતા હશે તો પરસ્પર ખર્ચ પણ વહેંચાઈ જાય છે. આ કારણે મની મેનેજમેન્ટ સંયુક્ત પરિવારમાં વધારે જોવા મ‌ળે છે. એકલા રહેતા લોકોને જીવનમાં વધારે તાણનો સામનો કરવો પડે છે, જ્યારે સંયુક્ત પરિવારમાં લોકો વધારે ખુશહાલ રહેતા હોય છે. એકસાથે રહેવાનો બીજે એક લાભ એ પણ છે કે તમે તમારી સમસ્યા બીજા સભ્યો સાથે વહેંચી શકો છો.

પ્રશ્ન : હું 24 વર્ષનો યુવક છે. મારી સમસ્યા એ છે કે મને વારંવાર નાની નાની વાતો પર ગુસ્સો આવી જાય છે. મને ખબર છે કે મારા આ સ્વભાવની નકારાત્મક અસર મારા કામ અને સંબંધો પર પડે છે. આ ગુસ્સા પર કાબૂ મેળવવા માટે મારે શું કરવું જોઇએ? એક યુવક (અમદાવાદ)

ઉત્તર : ગુસ્સો પણ એક પ્રકારની લાગણી છે પણ એ વાતનું ધ્યાન રાખો કે એની તમારા સંબંધો પર અસર ન પડવી જોઇએ. તપાસી લો કે કઈ સ્થિતિમાં તમને ગુસ્સો વધારે આવે છે. સ્થિતિ અને ગુસ્સાનાં કારણોને સમજો અને તેનાથી પેદા થયેલી પરેશાનીને દૂર કરવાના પ્રયાસ કરો, પરંતુ ગુસ્સાને દબાવશો નહીં. જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે જણાવેલ કેટલીક સરળ ટિપ્સનું પાલન કરીને એના પર સરળતાથી કાબૂ મેળવી શકાય છે. નક્કી કરો કે જે વાત પર તમને ગુસ્સો આવ્યો છે, તેની પ્રતિક્રિયા તમે 48 કલાક પછી આપશો. આમ કરવાથી એવો ચમત્કાર થશે કે એ જોઈને તમે પોતે પણ આશ્ચર્યમાં પડી જશો. જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે કોઈ ગમતું ગીત ગાવું શરૂ કરી દો અથવા તો કોઈ મ્યૂઝિકલ વાજિંત્ર વગાડો. ગુસ્સાના સમયે ભરાયેલી એનર્જીનો સકારાત્મક ઉપયોગ કરો. કમાનથી છૂટેલું તીર અને મોઢેથી નીકળેલો શબ્દ ક્યારેય પાછો નથી આવતો. જ્યારે ગુસ્સો આવે ત્યારે મૌન બની જાઓ અને લખવું શરૂ કરી દો. આનાથી તમને ચોક્કસ ફાયદો થશે.

પ્રશ્ન : હું 24 વર્ષની યુવતી છું. મારો પરિવાર નવસારીમાં છે અને મારું ભણવાનું પૂરું કરીને બે વર્ષથી હું મુંબઇમાં જોબ કરું છું. હું મારી ઓફિસના યુવકના પ્રેમમાં છું. તે પણ પરિવાર વગર એકલો જ રહે છે. અમે બન્ને વર્કિંગ હોવાથી મળવાનો અને સાથે ફરવાનો સમય પણ નથી મળતો. એ જ કારણોસર વિચારી રહ્યાં છીએ કે લિવ-ઇનમાં રહીશું તો પરસ્પરને વધુ જાણી શકીશું. મારા પેરન્ટ્સ તો એ માટે જરાય તૈયાર નહીં થાય. આ કારણોસર અહીં અમે કોઈને કહ્યા વિના સાથે રહેવાનું શરૂ કરીએ એવો વિચાર પણ કરી રહ્યાં છીએ, પણ સમાજનો ડર લાગે છે. શું કરું? એક યુવતી (મુંબઈ)

ઉત્તર : લગ્નમાં બન્ને વ્યક્તિ પરસ્પરની અને પરિવારની સહમતીથી સમાજની હાજરીમાં એકમેકને જીવનસાથી તરીકે પસંદ કરે છે અને પછી સહજીવન શરૂ કરે છે. લિવ-ઇનમાં સમાજ અને કાયદાનું બંધન ન હોવાથી ન ફાવ્યું તો હું મારા રસ્તે અને તું તારા રસ્તે. આવી છટકબારી હોવાને કારણે સહજીવનની શરૂઆત જ ખોટી સમજણથી શરૂ થાય છે. તમે લગ્ન કરીને સાથે રહો કે લિવ-ઇનમાં, જો એકબીજાની મર્યાદાઓનો સ્વીકાર કરવા જેટલી સહિષ્ણુતા ન હોય તો બેમાંથી એકેય નથી ચાલતા. લગ્ન વ્યવસ્થા કેટલાક અંશે સહિષ્ણુતા કેળવાય એ માટેનું વાતાવરણ પૂરું પાડે છે, પણ લિવ-ઇનમાં ‘સ્વતંત્ર’ માઇન્ડસેટ સાથે આગળ વધો તો એમાં જરૂરી ઉષ્મા અને હૂંફની ગેરહાજરી વર્તાય છે. મને એવું લાગે છે કે જે કામ તમારે છુપાઈને કરવું પડે એ કદી ન કરવું. તમારી ઉંમર પણ કંઈ ૨૫ વર્ષથી વધુની હોય એવું મને નથી લાગતું ત્યારે એકમેકને સમજી લેવા સાથે રહેવાની ઉતાવળ શા માટે? એમ છતાં લિવ-ઇનમાં રહેવું જ હોય તો બંનેના માતા-પિતાને કોન્ફિડન્સમાં લઈને કન્વિન્સ કરવાનું આવશ્યક છે.

પ્રશ્ન : હું કોલેજનાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરું છે. હું દેખાવમાં બહુ સુંદર છું અને મારું ફ્રેન્ડ સર્કલ પણ બહુ વિશાળ છે. હું છેલ્લાં બે વર્ષથી મારા બોયફ્રેન્ડ સાથે સ્ટેડી છું અને તેની સાથે બહુ ખુશ છું. હું તેની સાથે જ લગ્ન કરવા ઇચ્છું છું. મારા ફ્રેન્ડ્સને આ રિલેશનશીપ વિશે ખબર છે અને તેમને મારી આ ચોઇસ ખાસ ગમતી નથી. મારી બહેનપણીઓને મારો બોયફ્રેન્ડ બબૂચક લાગે છે પણ મને તો તે લાઇવ અને હેન્ડસમ લાગે છે. મારી બહેનપણીઓનું કહેવું છે કે હું પ્રેમમાં છું એટલે મને તેની નબળાઈ નથી દેખાતી. સમજાતું નથી કે મારી ચોઇસ ખોટી છે કે ફ્રેન્ડ્સનો અભિપ્રાય? એક યુવતી (વડોદરા)

ઉત્તર : એ વાત સાચી છે કે પ્રેમમાં પડેલી વ્યક્તિને પોતાનું પ્રેમપાત્ર હંમેશાં સર્વગુણસંપન્ન લાગતું હોય છે. કોઈ એની ઊણપ બતાવે તો પણ એને જોવાની તૈયારી ન હોય. જોકે દરેક ઘટનાને એક જ રીતે ન જોવી જોઈએ. કોઈ તમારા બોયફ્રેન્ડ માટે કંઈક કહે અને તમારો એમાંથી આત્મવિશ્વાસ હલવા લાગે એ કેવું? આજની જનરેશન પોતાના કરતાં પોતાના ફ્રેન્ડસર્કલના ઓપિનિયનને વધુ મહત્ત્વ આપતી થઈ ગઈ છે અને એટલે જ પોતાની સ્વતંત્ર બુદ્ધિશક્તિથી સાચું શું અને ખોટું શું એ નક્કી નથી કરી શકતી. તમારી વય મુજબ તમને તમારા અંદરના અવાજને બદલે ફ્રેન્ડ્સની કમેન્ટ્સ વધુ મહત્ત્વની તો નથી લાગતીને? હું જરાય નથી કહેતી કે તમારાં ફ્રેન્ડ્સ ખોટું જ કહેતા હશે. બીજી તરફ તમારી ચોઇસ પણ ખોટી છે એવું પણ ન ધારી શકાય. તમે જો પ્રેમની પટ્ટી બદલીને જોવાની તૈયારી દાખવી શકતા હો તો એક લિટમસ ટેસ્ટ જાતે જ કરવો જોઈએ. હજી તમે ભણી રહ્યા છો ત્યારે તમારે આ સંબંધને આગળ વધારવાની ઉતાવળમાં પડવું ન જોઈએ. લોકો કે ફ્રેન્ડ્સ શું માને છે એના કરતાં તમારી પોતાની સ્વતંત્ર વિવેકબુદ્ધિ શું કહે છે એ સમજવા માટે જાતને સમય આપવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *