
હાલમાં જ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહએ ઈંગ્લેન્ડ સામેની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચમાંથી પોતાનું નામ પરત લઈ લીધું હતું. બુમરાહે અંગત કારણોને લીધે ચોથી ટેસ્ટમાં ન રમવાનો નિર્ણય લીધો હતો.
તેને T-20 શ્રેણીમાં પણ આરામ આપવામાં આવ્યો છે તેમજ તે વનડે સિરીઝમાં પણ ન રમે એવી સંભાવના છે. સૂત્રો દ્વારા ખબર પડી છે કે બુમરાહ આ મહિને અને મોટે ભાગે આગામી એક અઠવાડિયામાં લગ્ન કરવાનો છે, તેથી તેણે ક્રિકેટ ફિલ્ડ પરથી બ્રેક લીધો છે.
ર્ટ્સ એન્કર અથવા સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ સાથે લગ્ન કરશે એવી ચર્ચા
બુમરાહ આવનારા એક સપ્તાહમાં લગ્નના બંધનમાં બંધાઈ રહ્યો છે. બુમરાહ સ્પોર્ટ્સ એન્કર અથવા સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ સાથે લગ્ન કરશે એવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ યુવતી કોણ છે એ અંગે હજી ખબર પડી નથી. પરિવારની હાજરીમાં બુમરાહે ગોવામાં લગ્ન કરવાનું નક્કી કર્યું છે. જોકે તારીખ ગુપ્ત રાખવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે હાલ બુમરાહનો પરિવાર મુંબઈમાં રહે છે. ટીમ ઈન્ડિયા હાલ બાયો-બબલમાં હોવાને કારણે તેના લગ્નમાં જઈ શકે એવી શક્યતાઓ બહુ ઓછી છે. કોરોનાના કારણે તેના લગ્નમાં બહુ ઓછા લોકોને જ બોલાવવામાં આવી શકે છે અને એ જ કારણથી બુમરાહના લગ્ન ગોવામાં રાખવામાં આવશે.
BCCIના એક અધિકારીએ જણાવ્યું હતું કે બુમરાહને લગ્ન માટે વધુ સમય જોઈતો હતો એ કારણથી તેણે અંતિમ ટેસ્ટ મેચમાંથી પોતાનું નામ પરત લેવા કહ્યું હતું. હવે લગ્ન બાદ બુમરાહ સીધો આઈપીએલ 2021માં જ ક્રિકેટના મેદાન પર પરત ફરશે.
સાઉથ એક્ટ્રેસ અનુપમા પર્મેશ્વરન સાથે લગ્ન કરે એવી ચર્ચા
25 વર્ષીય અનુપમા પર્મેશ્વરન તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. થોડા સમય પહેલાં તેના અને બુમરાહના ડેટિંગના સમાચાર સામે આવ્યા હતા. બુમરાહની જેમ અનુપમાએ પણ પોતાના કામથી બ્રેક લીધો છે, જે અંગે તેણે પોતાના સોશિયલ મીડિયા પર જાણ કરી હતી.
સંજના ગણેશન સાથે પણ બુમરાહના લિંક-અપની વાતો
ગયા વર્ષે જસપ્રીતના સ્ટાર સ્પોર્ટ્સની પ્રેઝેન્ટર સંજના ગણેશન સાથે લિંક-અપ્સની વાતે જોર પકડ્યું હતું. સંજનાએ ગયા વર્ષે સ્ટાર સ્પોર્ટ્સમાં KKR ફેન શોનો પણ ભાગ રહી હતી. એવામાં ઘણા ફેન્સ માની રહ્યા છે કે બુમરાહ-સંજના આગામી અઠવાડિયા પ્રભુતામાં પગલાં ભરશે.