સુરતના પોલીસ કમિશનરને તેમનો જ સ્ટાફ ઓળખી ન શક્યો! હકીકત સામે આવી તો બધા ચોંકી ગયા

ટ્રેકસૂટ પહેરી, ગળામાં મફલર વિંટાળી, માથે ગરમ ટોપી અને માસ્ક પહેરીને એક વ્યક્તિ ગત શુક્રવારે રાત્રે સુરતના કતારગામ પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ. કોઈ સામાન્ય નાગરિક ફરિયાદ નોંધવવા આવી હોય પોતાનો વારો આવવાની રાહ જોઈ રહ્યો હોય તેવું તે વ્યક્તિને જોઈને લાગતું હતું. તેમણે એક ઓરડામાં જઈને જોયું તો ત્યાં એક પોલીસકર્મી ગુમ થયેલા વ્યક્તિ અંગે ફરિયાદ નોંધવામાં વ્યસ્ત હતા.

તે પછી તેમણે બીજા ઓરડામાં જોયું તો ત્યાં એક મહિલા તેનો પતિ ગુમ થયાની ફરિયાદ નોંધાવી રહી હતી. હેડ કોન્સ્ટેબલ શૈલેષ ચૌધરી મહિલાને તેના એડ્રેસ વિશે પૂછી રહ્યા હતા. ચૌધરી મહિલાને કહી રહ્યા હતા કે તે તેના ઘર નજીક આવેલી પોલીસ ચોકીએ જઈને આ અંગે ફરિયાદ નોંધાવે.

આ સંવાદ ધ્યાનથી સાંભળી રહેલી ટ્રેકસૂટ પહેરેલી એ વ્યક્તિએ ચૌધરીને પૂછ્યું કે, તેમણે કેમ એ મહિલાને મદદ ન કરી. તો ચૌધરીએ તેમને સામો સવાલ કર્યો કે, ‘તમે કોણ છો?’ અને પછી મહિલાને પૂછ્યું કે, શું આ વ્યક્તિ તેની સાથે છે?

તે પછી ટ્રેકસૂટમાં રહેલી એ વ્યક્તિએ પોતાની ઓળખ જાહેર કરી કે ‘હું સુરતનો પોલીસ કમિશનર છું.’ ચૌધરીએ તેમની વાત બરાબર સાંભળી નહીં અને તે ઓળખી ન શક્યા કે તેમની સામે ટ્રેકસૂટ પહેરીને ઉભેલી વ્યક્તિ બીજી કોઈ નહીં પણ સુરત પોલીસ કમિશનર અજય તોમર છે. આ તો તેમણે પોતાનું માસ્ક ઉતાર્યું ત્યારે હેડ કોન્સ્ટેબલ ચૌધરીને એ બાબતની જાણ થઈ. પોલીસ કમિશનરે તે પછી ચૌધરીને એ મહિલાને પોલીસ ચોકી મોકલવાને બદલે અહીં જ ફરિયાદ નોંધવાની સૂચના આપી.

સુરત પોલીસ કમિશનર અજય તોમરનું એ રોજનું કામ થઈ ગયું છે કે, પોલીસ સ્ટેશનોની સરપ્રાઈઝ મુલાકાત લઈ ત્યાં થતી કામગીરીનું નિરીક્ષણ કરવું. મોટાભાગે તે યુનિફોર્મમાં જ જાય છે, પરંતુ શુક્રવારે તેઓ ટ્રેકસૂટ પહેરીને ગયા હતા અને પોતાની સરકારી કાર પોલીસ સ્ટેશનથી થોડે દૂર ઊભી રાખી હતી.

અજય તોમરે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતુ કે, ‘લોકોને પોલીસની સારામાં સારી સેવા મળી રહે તે સુનિશ્ચિત કરવાનો તેની પાછળનો હેતુ છે. અમે સારું કામ કરી રહ્યા છીએ, પરંતુ હું તેને વધુ સારું બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છું.’

હેડ કોન્સ્ટેબલ ચૌધરીએ કહ્યું કે, ‘મેં પોલીસ કમિશનર સાહેબને ક્યારેય નજીકથી જોયા નથી એટલે હું તેમને ઓળખી શક્યો નહીં. તેમણે જ્યારે પોતાની ઓળખ જાહેર કરી તો હું ચોંકી ગયો હતો.’

ફરિયાદ કરવા આવેલી મહિલા અસ્મિતા મેરે જણાવ્યું કે, ‘મારા પતિ ગુમ હોવાથી હું મારા બાળકો અને મારા માટે ચિંતિત હતી. સીનિયર અધિકારીની દરમિયાનગીરીથી પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી.’

Leave a Reply

Your email address will not be published.