ભાવનગર યોગમય બન્યુ, લાખો લોકોએ યોગ કર્યા

ભાવનગર શહેર અને જિલ્લામાં આજે મંગળવારે ઠેર ઠેર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી અને લાખો લોકોએ યોગ કર્યા હતાં. શહેર અને જિલ્લામાં જુદી જુદી સંસ્થા દ્વારા પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે વહેલી સવારે ભાવનગર યોગમય બની ગયુ હતું. શહેરના યુનિવર્સિટીના મેદાન ખાતે શહેરકક્ષાનો તેમજ સીદસર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે જિલ્લાકક્ષાના યોગ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતાં.

ભાવનગર શહેરમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવસટીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ૮માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની શરૂઆત કરાવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રીએ જણાવ્યું હતુ કે, યોગ એ ભારતની પુરાતન સંસ્કૃતિ એ વિશ્વને આપેલી અણમોલ ભેટ છે. યોગ એ ષિ પરંપરા છે. જેને આજે સમગ્ર વિશ્વે સ્વિકારી છે. યોગ ભગાવે રોગ ના ન્યાયે યોગ એ માત્ર એક દિવસની ક્રિયા ન રહેતાં, નિયમિત જીવન શૈલીનો ભાગ બનાવવો જોઈએ. વડાપ્રધાનએ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં યોગ દિવસની ઉજવણી માટે મુકેલા પ્રસ્તાવને સમગ્ર વિશ્વે સ્વિકારી પ્રતિ વર્ષ ૨૧મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની સ્વીકૃતિ આપી હતી. ભારતીય સંસ્કૃતિની આ પરંપરાના ફાયદા સ્વીકારીને સમગ્ર વિશ્વ ૨૧ મી જૂનના રોજ યોગમય બને છે. યોગથી વ્યક્તિગત રીતે ફાયદો થાય જ છે. જ્યારે તેને સામૂહિક રીતે કરીને સમગ્ર સમાજને પણ સ્વાસ્થ્યપ્રદ, નિરામય બનાવવો જોઇએ. ભાવનગરમાં ગઈકાલે વરસાદ પડયો હતો. ગ્રાઉન્ડ પર પાણી ભરાયા હતા. છતાં, યોગ સાધકોનો યોગ પ્રત્યેનો અનુરાગ, ઉત્સાહ અને વહીવટી તંત્રની કટિબદ્ધતાના કારણે આજે વ્યાપાકરૂપમાં યોગ નિદર્શન શક્ય બન્યું છે. જે યોગની વ્યાપક સમાજ સંસ્કૃતિને દર્શાવે છે.

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીએ આજે વહેલી સવારે સીદસર ખાતે આવેલાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જિલ્લા કક્ષાના ૮મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની શરૂઆત કરાવી હતી. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીએ જણાવ્યું હતુ કે, યોગ એ ધર્મ, શ્રદ્ધા અને આસ્થા નથી, પરંતુ સરળ વિજ્ઞાન છે અને જીવન જીવવાની કળા છે. નિયમિત યોગ થી શરીરની બધી ઇન્દ્રીઓને નિયંત્રિત કરી શકાય છે. યોગ એ જીવન જીવવાની પદ્ધતિ છે. યોગમાં એટલી તાકાત છે કે જો સવારે દસ મિનિટ યોગ કરવામાં આવે તો આખો દિવસ કાર્ય કરવાની સ્ફૂત રહે છે. લોકસભાના સાંસદે જણાવ્યું હતું કે, નિયમિત યોગ કરવાથી શરીરમાં રોગ થવાની શક્યતા ઘટી જાય છે. કોરોના રૂપી મહામારીમાં આપણે યોગની વધુ નજીક આવ્યાં છીએ. યોગ એ ભારતે વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ છે. યોગ બે કે ત્રણ આસનો પૂરતું સીમિત નથી પરંતુ એક અમૂલ્ય વારસો છે. શારીરિકથી શરૂ કરી સમાધિ સુધી યોગ લઈ જાય છે.

યોગ દિવસની ઉજવણીમાં અલગ-અલગ શાળા-કોલેજોના અંદાજે ૩ હજાર જેટલાં બાળકો જોડાયાં હતાં. નિલમબાગ પેલેસ, હાથબ બંગલો, વેળાવદર કાળિયાર અભયારણ્ય ખાતે પણ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી લક્ષ્યમાં રાખીને ૭૫-૭૫ લોકો સાથે યોગાભ્યાસ કરવામાં આવ્યો હતો. યોગના કાર્યક્રમમાં ધારાસભ્યો, રાજકીય અગ્રણી, અધિકારી સહિતના સભ્યો જોડાયા હતાં.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published.