વિરમગામમાં 1 ઇંચ, શહેરી વિસ્તારોમાં અડધા ઇંચ સુધી વરસાદ પડયો

અમદાવાદ શહેર અને જિલ્લામાં ગઇકાલે મંગળવારે સાંજે વાતાવરણ પલટાયું હતું. ભારે પવન ફૂંકાવાની સાથે અમુક વિસ્તારોમાં વરસાદ પણ પડયો હતો. વિરમગામમાં એક ઇંચ જેટલો વરસાદ પડયો હતો. જ્યારે રાત્રે ૧૦ વાગ્યા બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ૧ મિ.મી.થી લઇને અડધા ઇંચ સુધીનો વરસાદ પડયો હતો. તા.૨૬ જુન સુધી વરસાદી છાંટા પડવાની આગાહી છે.

અમદાવાદમાં ધીમી ગતિએ વરસાદી માહોલ જમાતો જાય છે. મંગળવારે સમી સાંજે આકાશમાં વાદળા ઘેરાયા હતા, ભારે પવન પણ ફૂંકાયો હતો. ગમે ત્યારે વરસાદ પડશે તેવી શક્યતાઓ વચ્ચે વિરમગામમાં સાંજે ૬ થી ૮ માં એક ઇંચ વરસાદ પડી ગયો હતો. ધોળકામાં ૪ મિ.મી., દેત્રોજમાં ૨ મિ.મી. અને માંડલમાં ૨ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

રાત્રે શહેરના વિસ્તારોમાં વરસાદી છાંટા પડવાના ચાલુ થયા હતા. ઘરના આંગણામાં , ધાબા પર સૂતા લોકોએ રાત્રે વરસાદથી બચવા ઘરમાં દોડવું પડયું હતું. રાત્રે ફૂંકાતા ઠંડા પવનમાં સુવાની ઇચ્છા વરસાદના કારણે મનમાં જ રહી ગઇ હતી. તેઓએ ઘરની ચાર દિવાલોમાં બફારા વચ્ચે રાત્રિ કાઢવી પડી હતી.

નિકોલ, મક્તમપુરા, ચકુડિયા, ઓઢવ, વિરટાનગર, રામોલ, કોતરપુર, મેમ્કો, દાણાપીઠ સહિતના પૂર્વ અમદાવાદના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન વરસાદી છાંટા પડયા હતા. બુધવારે સવારે આકાશ સ્વચ્છ રહ્યું હતું. ગરમી પણ ૪૦ ડિગ્રી જેટલી નોંધાઇ હતી.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published.