ટિકિટ ન મળતા કોંગ્રેસની મહિલા નેતાઓનો પારો સાતમા આસમાને ચઢ્યો, કંઈક નવાજૂની કરવાના એંધાણ

  • જયશ્રી ગાંધીએ આરોપ મૂક્યો કે, પટેલ ઉમેદવારને નાણાં લઈને ટિકિટ આપી છે. ગાંધી નહિ ચાલે, ગાંધી નહિ ચાલે… એમ કહી મને ટિકિટ ન આપી
  • તાલુકા-જિલ્લા અને પાલિકામાં કોંગ્રેસે ઉમેદવારો જાહેર ના કરતાં અનેક સ્થળે ઉમેદવારોમાં અવઢવ જોવા મળી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસની પરિસ્થિતિ એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ થઈ છે. ટિકિટની ફાળવણી થતાં જ રાજીનામાંનો દૌર ચાલી રહ્યો છે. ત્યારે મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ સોનલ પટેલે ટિકિટની ફાળવણી મુદ્દે આક્ષેપ કરતા તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. તો વડોદરામાં કોંગ્રેસના મહિલા નેતા જયશ્રીબેન ગાંધીએ શહેર કોંગ્રેસ પ્રમુખ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. તો આ તરફ પાટણમાં કોંગ્રેસના પ્રદેશ મહિલા મંત્રી અલકા દરજીએ રાજીનામું આપ્યું છે. અલકા દરજીએ ટિકિટની વહેચણી થાય છે તેવા ગંભીર આક્ષેપ પણ કર્યા હતા. તો આ તરફ સુરતમાંથી દક્ષા ભુવાએ તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. દક્ષા ભુવાએ આક્ષેપ કર્યા છેકે કોંગ્રેસમાં મહિલાઓ સાથે અન્યાય થયો છ. કોંગ્રેસે પાટીદાર સમાજ સાથે ગેમ રમી છે તેવા પણ આરોપ કર્યા હતા.

તાલુકા-જિલ્લા અને પાલિકામાં કોંગ્રેસે ઉમેદવારો જાહેર ના કરતાં અનેક સ્થળે ઉમેદવારોમાં અવઢવ જોવા મળી છે. તો આ વચ્ચે આજે ફોનથી મેન્ડેટ આપીને કોંગ્રેસ પોતાના ઉમેદવારોને ફોર્મ ભરાવશે તેવું દેખાઈ રહ્યું છે. વડોદરામાં કોંગ્રેસના મહિલા નેતા જયશ્રીબેન ગાંધીએ શહેર કોંગ્રેસ પ્રમુખ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. વડોદરાના કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે રૂપિયા લઈ ઉમેદવારને ટિકિટ આપી છે તેવો તેમણે આરોપ મૂક્યો છે. જયશ્રી ગાંધીએ આરોપ મૂક્યો કે, પટેલ ઉમેદવારને નાણાં લઈને ટિકિટ આપી છે. ગાંધી નહિ ચાલે, ગાંધી નહિ ચાલે… એમ કહી મને ટિકિટ ન આપી. પ્રશાંત પટેલે ભાજપ સાથે સેટિંગ કર્યું છે. તો બીજી તરફ, પ્રશાંત પટેલ પર આક્ષેપ કરનાર જયશ્રી ગાંધીએ હઠ પકડી કે, પાર્ટીમાં રહીને જ પ્રશાંત પટેલને જવાબ આપીશ. પાર્ટીમાંથી સસ્પેન્ડ કરશે તો પણ કોંગ્રેસ નહિ છોડું.

તો બીજી તરફ, તાજેતરમાં સુરતમાં યૂથ કોંગ્રેસના ગુજરાત પ્રદેશ મંત્રી દક્ષા ભુવાએ રાજીનામુ આપ્યું છે. સમાજના સમર્થનમાં કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. તો પાટણ જિલ્લામાં હજી કોંગ્રેસે ઉમેદવારો જાહેર કર્યા નથી ત્યા પક્ષ માટે ‘એક સાંધે ત્યા તેર તૂટે’ તેવી સ્થિતિ ઉભી થઈ છે. વોર્ડ નંબર 3 માટે કોંગ્રેસ મહિલા પ્રદેશ મંત્રી અલકાબહેન દરજીએ પોતાની ટિકિટ કપાઈ હોવાની ચર્ચાના કારણે નારાજ થઈને તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. અલકાબહેન દરજીએ કોંગ્રેસમાં ટિકિટનું વેચાણ થતું હોવાના પક્ષ પર ગંભીર આરોપ લગાવ્યા છે. સંભવિત ઉમેદવારોને સૂચના અપાઈ ગઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા. અલકાબહેન દરજીએ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ પર રોષ વ્યકત કર્યો.

Leave a Reply

Your email address will not be published.