કૃષિ વિવાદો વચ્ચે રિલાયન્સે ખેડૂતો પાસેથી ખરીદ્યા ભાત, જાણો શું ભાવ આપ્યો

એક તરફ દિલ્હીમાં ખેડૂતો કૃષિ બિલોને લઇને દિલ્હીમાં છેલ્લા દોઢ મહિનાથી આંદોલન કરી રહ્યા છે તો બીજી તરફ એવા સમાચાર આવી રહ્યા છે કે કર્ણાટકના ખેડૂતોએ ખાનગી કંપનીઓ સાથે સોદા કરીને પોતાનો પાક વેચવાની શરૂઆત કરી દીધી છે. કર્ણાટકના રાયચુર જિલ્લામાં સિંધનુર તાલુકામાં રિલાયન્સ રિટેલ લિમિટેડે ખેડૂતો પાસેથી 1000 ક્વિન્ટલ સોના મંસુરી ભાત ખરીદવા માટે સોદો કર્યો છે. મળતી માહિતી પ્રમાણે રિલાયન્સ રિટેલ સાથે સંકળાયેલા એક રજિસ્ટર્ડ એજેન્ટે એક પખવાડિયા પહેલા સ્વાસ્થ્ય ફાર્મસ પ્રોડ્યુસિંગ કંપની સાથે કરાર કર્યો છે. પહેલા માત્ર તેલનો વેપાર કરનારી આ કંપનીએ હવે અનાજની ખરીદી પણ શરૂ કરી દીધી છે. આ તાલુકાના લગભગ 1000 ખેડૂતો આની સાથે રજિસ્ટર્ડ છે.

ખેડૂતો જે MSPને લઇને દિલ્હી પર હંગામો કરી રહ્યા છે એની વાત કરીએ તો રિલાયન્સ રિટેલે MSP કરતા વધારે ભાવ આપીને ભાતની ખરીદી કરી છે. સરકારે આ ભાત માટે પ્રતિ ક્વિન્ટલ 1868 રૂ. ભાવ નક્કી કર્યો હતો પરંતુ રિલાયન્સ રિટેલે 1950ના ભાવ પર ભાતની ખરીદી કરી છે. SFPC અને ખેડૂતો વચ્ચે થયેલા કરાર અનુસાર SFPCને 1.5 ટકા કમીશન મળશે. ખેડૂતો પાકને પેક કરીને બોરામાં ભરીને સાથે જ સિંધનુર સ્થિત વેરહાઉસ સુધી પહોંચાડવાનો ટ્રાન્સપોર્ટ ખર્ચ વહન કરશે.

SFPCના મેનેજિંગ ડિરેક્ટર મલ્લિકાર્જુન વાલ્કલાદિનીએ જણાવ્યું હતું કે વેરહાઉસમાં રાખેલા ભાતની ગુણવત્તાની થર્ડ પાર્ટી ચકાસણી કરશે. તેમણે કહ્યું, એકવાર ગુણવત્તાનો સંતોષ થયા પછી રિલાયન્સના એજન્ટો પાકને ઉપલબ્ધ કરાવશે. વેરહાઉસમાં હાલમાં 500 ક્વિન્ટલ ભાત સ્ટોર છે. ખરીદી બાદ રિલાયન્સ આ નાણાં SFPCને ઓનલાઇન ચૂકવશે, જે સીધા જ પૈસા ખેડૂતોના ખાતામાં જમા કરશે. તેમણે માહિતી આપી હતી કે, ભાત વહન કરતા વાહનનો જીપીએસ મશીન દ્વારા ટ્રેક કરવામાં આવશે.

જો કે, દરેક ખેડૂત આ પગલાથી ખુશ નથી. કર્ણાટક રાજ્ય રૈથા સંગઠનના અધ્યક્ષ ચમારસા માલિપાટિલે કહ્યું કે કોર્પોરેટ કંપનીઓ પહેલા MSP કરતા વધારે ભાવ આપીને ખેડૂતોને લાલચ આપશે. આના પરિણામે એપીએમસી મંડીઓને નુકસાન થશે. પછી પાછળથી ખેડુતો ઉપર દમન શરૂ થશે. આપણે આ પ્રકારની યુક્તિથી સાવચેત રહેવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published.