અમદાવાદમાં અષાઢી બીજની રથયાત્રા આડે દસ જ દિવસ રહ્યાં છે. કોરોનાના કારણે બે વર્ષથી પૂર્ણરુપની રથયાત્રા યોજાઈ નહોતી. બે વર્ષ પછી આ વર્ષે રથયાત્રામાં ભાવિકોની ભીડ ઉમટી પડશે. આ સંજોગોમાં કાયદો વ્યવસ્થા જાળવવા સાથે કોમી એકતાનો ઈતિહાસ રચવા માટે અમદાવાદ શહેર પોલીસ સક્રિય બની છે. પોલીસે અસામાજીક તત્વોને રાઉન્ડ-અપ કરવા પોલીસ સ્ટેશન દીઠ ડ્રાઈવ સઘન બનાવી છે. પોલીસે ત્રણ પિસ્ટલ, તમંચા કબજે કર્યાં છે. નવા નરોડાનો ધર્મેન્દ્ર બારડ નામનો શખ્સ ક્રાઈમ બ્રાન્ચને બે વખત હાથતાળી આપી ગયો છે પણ તેના સાગરિત બે કન્ટ્રીમેઈડ પિસ્ટલ, તલવારો સાથે પકડાયાં છે. બીજી તરફ, શહેરના પોલીસ સ્ટેશનોમાં હિન્દુ-મુસ્લિમ સમુદાયની એકતા સુગ્રથિત થાય તેવા કાર્યક્રમોના આયોજન કરવામાં આવી રહ્યાં છે.
અમદાવાદમાં રથયાત્રાનું કાઉન્ટ-ડાઉન શરુ થઈ ગયું છે. કોરોનાના કારણે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળતા હતા ત્યારે ભાવિકોની ભીડ પર પ્રતિબંધ હતો. આ વર્ષે પૂર્ણરુપની રથયાત્રા યોજાવાની છે ત્યારે વર્તમાન માહોલમાં અમદાવાદની રથયાત્રા એકતાનો ઇતિહાસ રચે તેવા પ્રયાસો શરુ કરવામાં આવ્યાં છે. અમદાવાદ શહેર પોલીસે કોમી એકતા મજબૂત બને તે માટે રથયાત્રાના રુટ પરના હિન્દુ-મુસ્લિમ વસતીવાળા વિસ્તારોમાં બ્લડ ડોનેશન કેમ્પ, એકતા મિટિંગો, શૈક્ષણિક સહાયના કેમ્પો, ગરીબ પરિવારોને મદદ સાથે જ એક-મેક પરનો વિશ્વાસ મજબૂત બને તેવા આયોજનો શરુ કર્યાં છે. રથાયાત્રા દરમિયાન, પહેલાં કે પછી અસામાજીક તત્વો કાંકરીચાળો ન કરે અથવા તો અફવાઓ જોર ન પકડે તે માટે ખાસ આયોજનો થઈ રહ્યાં છે. શહેરના તમામ પોલીસ સ્ટેશનોને લિસ્ટેડ ગુનેગારો સામે અટકાયતી પગલાં ભરવા આદેશ કરવામાં આવ્યાં છે. ગુનાઈત માનસિકતા ધરાવતાં, તડીપાર થયેલાં શખ્સો સામે કડક કાર્યવાહી આરંભી દેવાઈ છે. શહેરના પ્રવેશદ્વારો ઉપરાંત આંતરિક વ્યૂહાત્મક વિસ્તારોમાં કડક વાહનચેકીંગ અને કોમ્બિંગ નાઈટ ઓપરેશન શરુ કર્યાં છે. શહેરના સંવેદનશીલ વિસ્તારમાં અત્યારથી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. રથયાત્રાના રુટ અને આસપાસના વિસ્તારોમાં આગામી શનિવારથી જ વધારાની પોલીસને તહેનાત કરી દેવામાં આવશે.
પોલીસ હથિયારો પકડી પાડવા ડ્રાઈવ શરુ કરી છે તે અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચે કન્ટ્રીમેઈડ પિસ્ટલ અને તમંચા ઝડપી ત્રણ ગુના નોંધ્યા છે. રાણીપમાં રસ્તા પરથી નવા નરોડાના ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો અભેસિંહ બારડના સાગરિત મુળ આણંદના સારસા ગામના અને હાલમાં ચાંદખેડામાં રહેતા સુનિલ ઉર્ફે આકાશ ઉર્ફે કાળુ પ્રવીણભાઈ મારવાડીને દેશી બનાવટની પિસ્ટલ અને કાર્ટીસ સાથે ઝડપી લીધો હતો. ૅઅગાઉ હત્યા, હત્યાની કોશિષ લૂંટ, આર્મ્સ એક્ટના ગુનાઓમાં પકડાઈ ચૂકેલો ધર્મેન્દ્રસિંહ બારડ તેના સાગરિત સાથે કારમાં પસાર થતો હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે વોચ ગોઠવી હતી. કાર રોકાવતાં જ ધર્મેન્દ્રસિંહ ભાગી ગયો હતો. સુનિલને પિસ્ટલ ધર્મેન્દ્રસિંહે આપી હોવાની કેફીયત આપી છે. ક્રાઈમ બ્રાન્ચ ધર્મેન્દ્રસિંહને શોધી રહી હતી. નિકોલ – નરોડા રોડ ઉપર યુગ રેસિડન્સી પાસે કારમાં ધર્મેન્દ્રસિંહ અને તેનો સાગરિત બેઠાં હોવાથી વિગતથી ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડયો હતો. કારમાંથી ધર્મેન્દ્રસિંહ તો નહોતો મળ્યો પણ દેશી પિસ્ટલ, ત્રણ કાર્ટીસ અને ત્રણ તલવાર સાથે અંકીત સંજયકુમાર શર્માને ઝડપી પાડયો છે. અંકીતને આ હથિયારો ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો બારડએ આપ્યાની કેફીયત આપી છે. ધર્મેન્દ્રસિંહ બારડ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના દારુના ગુનામાં પણ વોન્ટેડ છે. ચોંકાવનારી બાબત એ છે કે, ક્રાઈમ બ્રાન્ચની ટીમ આવે તેની થોડી જ મિનિટો પહેલાં અંકીત સાથે કારમાંથી ધર્મેન્દ્રસિંહ એક કામ માટે જઈને આવું છું તેમ કહીને જતો રહ્યો હતો. સરખેજમાં ૧૦૦ ફૂટ રોડ ઉપરથી રખિયાલના રહીશ રાહીદ ઉર્ફે અલ્લારખા અલતાફભાઈ શેખને તમંચા સાથે એસઓજીએ ઝડપી લીધો હતો. રિક્ષાચાલક રાહીદે પોતાને તમંચો મણીનગર રેલવે સ્ટેશન બાજુ ગયો ત્યારે રેલવે ટ્રેક ઉપરથી મળ્યો હતો તેવી કેફિયત આપી છે
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.