વિધાનસભા ગૃહમાં ગૃહ રાજ્યમંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો “માસ્ક નહીં પહેરવા બદલ રૂ 1.68 અબજનો દંડ વસૂલાયો”

રાજ્યમાં કોરોનાના સંક્રમણને નાથવા માટે સરકાર દ્વારા માસ્ક પહેરવાના ફરજિયાત બનાવાયા છે અને આ અંગેની માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવી છે. જે મુજબ, હાઇકોર્ટના આદેશ અનુસાર, માસ્ક પહેરવામાં કસૂર કરનાર માટે રૂ. ૧૦૦૦નો દંડ વસૂલવાનું નક્કી કરાયું છે. આમ છતાં પણ છેલ્લા ૬ માસ દરમિયાન રાજ્યના ૧૬,૭૮,૯૨૨ જણાએ માસ્ક નહીં પહેરીને રાજ્ય સરકારની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કર્યું હતું. જેના પરિણામે રાજ્ય સરકાર દ્વારા દંડ પેટે રૂપિયા ૧ અબજ ૬૭ કરોડ ૮૯નો દંડ વસૂલ્યો છે.

વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પૂછાયેલા એક લેખિત પ્રશ્નના લેખિત જવાબમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે, છેલ્લા ૬ માસ દરમિયાન રૂ ૧૬,૭૮,૯૨૨ લોકો પાસેથી માસ્ક નહીં પહેરવા બદલ દંડ વસૂલવામાં આવ્યો હતો. રાજ્યના માત્ર ૪ મહાનગરોમાં રૂ ૬,૪૩,૭૯૨ લોકો માસ્ક નહીં પહેરવા બદલ પકડાયા હતા. જેમાં અમદાવાદ શહેર-ગ્રામ્ય અને પશ્ચિમ રેલવે થઇને કુલ ૨,૭૩,૬૯૪ જણાં, રાજકોટ શહેર અને ગ્રામ્ય થઇને રૂ ૧,૦૬,૮૪૧ લોકો, સુરત શહેર અને ગ્રામ્ય મળીને રૂ ૧,૮૭,૭૮૭ લોકો અને વડોદરા શહેર-ગ્રામ્ય તથા પશ્ચિમ રેલવે મળીને રૂ ૭૫,૪૭૦ લોકોનો સમાવેશ થાય છે. આમ માત્ર ૪ મહાનગરોમાં જ કોરોના મહામારી વચ્ચે માસ્ક નહીં પહેરવાના ૩૮.૩૪ ટકા કેસ નોંધાયા હતા.

Leave a Reply

Your email address will not be published.