સુરત માં ફરી એક વાર બૅન્કો નું કરોડોની લોન કૌભાંડ, આ બેંકના 2 સેલ્સ મેનેજરની ધરપકડ

સુરત: (Surat) સરથાણાના ગેરેજ માલિક ઇર્શાદ પઠાણ અને તેની ટોળકીએ જે વાહનોનું મેન્યુફેક્ચરિંગ થયું જ નથી તેવાં વાહનોના બોગસ દસ્તાવેજો બનાવી લોન (Loan) મંજૂર કરી લેવાનું કૌભાંડ હવે યશ બેંકના સેલ્સ મેનેજર સુધી પહોંચ્યું છે. ક્રાઇમ બ્રાન્ચના (Crime Branch) બે સેલ્સ મેનેજરની ધરપકડ કરવામાં આવી છે, આ બંને સેલ્સ મેનેજરે ડાયરેક્ટ લોન પાસ કરી બારોબાર કમિશન પાસ ઓન કરતા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ઇર્શાદ પઠાણ અને બીજા 19 આરોપીઓએ ભેગા થઇને ટાટા મોટર્સ તેમજ અશોક લેલન્સ કંપનીનાં મોટાં વાહનો કે જેનું મેન્યુફેક્ચર થયું જ નથી, તેના બોગસ દસ્તાવેજો બનાવીને યશ બેંકની (Bank) 53 બ્રાન્ચમાંથી 8.64 કરોડની કોમર્શિયલ લોન લીધી હતી. તેમાંથી 5.25 કરોડની લોન ભરપાઇ કરવામાં આવી ન હતી. આ બાબતે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધીને ઇર્શાદ પઠાણ સહિત અન્ય લોકોની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન યશ બેન્કના સેલ્સ મેનેજર નામે કેયૂર મકેશચંદ્રા ડોક્ટર (રહે.,બી/૬૦૧, આલીશાન એન્કલવ, સ્ટાર બજાર સામે, અડાજણ, સુરત) તેમજ ધવલ હેમાંતભાઇ લીંબડ (રહે.,બી/૧૦૩, શ્રીનાથજી રેસિડેન્સી, પટેલ પાકટ નજીક, છાપરાભાઠા રોડ, વરિયાવ, સુરત)ની પણ ભૂંડી ભૂમિકા જોવા મળી હતી.

ક્રાઇમ બ્રાન્ચે આ બંનેની ધરપકડ કરી હતી. આ કામમાં હજુ પણ એક વોન્ટેડ આરોપી રજની પીપલિયાની સાથે મળી વાહનોની લોનની પ્રોસેસ કરી હતી. જે વાહનો અસ્તિત્વમાં જ નથી તેના ઉપર પેપરસેટ કરી રજની પીપલિયાએ અલગ અલગ કસ્ટમર લાવી સેલ્સ મેનેજર કેયૂર ડોક્ટર તેમજ ધવલ લિંબડને આપતા હતા. આ બંને સેલ્સ મેનેજર તેમની યશ બેંકના અલગ અલગ લોન એજન્ટના કોડમાં વાહનોની ફાઇલ લોગ ઇન કરી જાતે જ એજન્ટના કોડના સિક્કા તેમજ ડીએસએની સહીઓ પણ કરી લોન ફાઇનલ કરી નાંખતા હતા.

લોન પાસ થયા બાદ જ્યારે કમિશન અને પે આઉટ આવતું હતું તે ડાયરેક્ટ જ રજની પીપલિયા અને તેના ભાઇ ચિરાગને આપવાનું કહી ડાયરેક્ટર ચેક તેમજ આરટીજીએસ મારફતે રૂપિયા ટ્રાન્સફર કરી પોતાનું પણ કમિશન મેળવી લેતા હતા. આ બાબતે ક્રાઇમ બ્રાન્ચે યશ બેંક પાસેથી કેયૂર અને ધવલનો રિપોર્ટ માંગ્યો હતો ત્યારે બેંકે બંને સેલ્સ મેનેજરનો નેગેટિવ રિપોર્ટ આપ્યો હતો. આ રિપોર્ટમાં મેન્યુફેક્ચર થયા ન હોય તેવા અશોક લેલન અને ટાટા મોટર્સનાં વાહનોની લોનની ફાઇલ નાંખી તેનું પે-આઉટ રજની પીપલિયાને આપ્યું હોવાનું પણ બહાર આવ્યું હતું. પોલીસે સેલ્સ મેનેજર કેયૂર અને ધવલની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published.