મહિલાઓના વિકાસ માટે ખોડલધામ તમારી સાથે છેઃ નરેશ પટેલ

8 માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ખોડલધામ મહિલા સમિતિ- રાજકોટ દ્વારા સંગીત સંધ્યા અને મહિલાઓના સન્માનનો કાર્યક્રમ યોજાઈ ગયો. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશ પટેલ અને રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રમાં પોતાનું મહત્વનું યોગદાન આપનાર નારી શક્તિનું સન્માન કરવામાં આવ્યું હતું.

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના નેજા હેઠળ કામ કરતી ખોડલધામ મહિલા સમિતિ- રાજકોટ દ્વારા દર વર્ષે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે 8 માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ખોડલધામ મહિલા સમિતિ દ્વારા રાજકોટ શહેરના સરદાર પટેલ ભવન ખાતે મહિલાઓના સન્માન અને સંગીત સંધ્યાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોનો હસ્તે દિપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ વિભાગમાં, કાયદા ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, અને વિવિધ સંસ્થાઓ ચલાવી સમાજમાં પોતાનું ઉત્કૃષ્ટ યોગદાન આપનાર નારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

વિશ્વ મહિલા દિવસની ઉજવણી પ્રસંગે યોજાયેલા આ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશ પટેલે ઉપસ્થિત રહીને મહિલાઓને વિશ્વ મહિલા દિવસની શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે, જ્યાં પણ મહિલાઓને જરૂર પડશે ત્યાં ખોડલધામ મહિલા સમિતિની બહેનો હર હંમેશ મદદ માટે તમારી સાથે રહેશે. કાર્યક્રમમાં હાજરી આપનાર રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને પોતાના વકતવ્યમાં ખોડલધામ મહિલા સમિતિના કાર્યને બિરદાવતા જણાવ્યું કે, ખોડલધામ મહિલા સમિતિ દ્વારા મહિલાઓને સહકાર આપવાનું કામ થઈ રહ્યું છે તે સરાહનીય છે. દીકરીઓને શિક્ષણ આપવાનું કામ પણ ખૂબ પ્રેરણાદાયક છે. પોલીસથી લશ્કર સુધી સમાજની દીકરીઓ આગળ વધી રહી છે તે ખૂબ સારી વાત છે. કલેક્ટરે વધુમાં કહ્યું કે, જ્યાં સુધી મહિલા આગળ ન વધે ત્યાં સુધી દેશ પણ આગળ ન વધી શકે. ગેરમાન્યતાઓ, ભૃણ હત્યા જેવા મુદ્દે પણ જાગૃત બનવાની જરૂર હોવાનું કલેક્ટરે કહ્યું હતું.

મહેમાનોના સ્વાગત અને સમાજમાં વિશિષ્ટ યોગદાન આપનાર મહિલાઓના સન્માન બાદ સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો. સંગીત સંધ્યાના કાર્યક્રમમાં ગાયકોએ પોતાના સૂરથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમમાં હાજર મહિલાઓને યોગ બોર્ડ દ્વારા યોગ વિશેની માહિતી પણ આપવામાં આવી હતી. કાર્યક્રમ પૂર્ણ થયે સૌ અલ્પાહાર લઈને છૂટા પડ્યા હતા.

વિશ્વ મહિલા દિવસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજકોટ શહેર, મેટોડા, સાણથલી, મોટા મવા, જસદણ, ટંકારા સહિત આસપાસની જગ્યાએથી મહિલાઓ ઉપસ્થિત રહી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ખોડલધામ મહિલા સમિતિ-રાજકોટની મહિલાઓએ જહેમત ઉઠાવી હતી.

Leave a Reply

Your email address will not be published.