લોકડાઉન નો સદઉપયોગ કરી વિકસાવ્યું ટેલેન્ટ, આજે કમાઈ છે લાખો..

તમે પેઇન્ટિંગ કરવા શું વાપરો છો…? બ્રશ, કલર કે અન્ય સાધનો હશે, બરાબર ને. પણ આજે એક એવા ટેલેન્ટની વાત કરવી છે કે, જે કલર, બ્રશ કે અન્ય કોઈ સાધનના ઉપયોગ વગર પેઇન્ટિંગ કરે છે. જી હા, તમે એકદમ બરાબર વાંચ્યું. આ વાત છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામકલ્યાણપુર ગામમાં રહેતા આર્ટિસ્ટ આહિર જેશા લગારીયાની. જેશા માત્ર ઓઇલ અને આંગળી વડે પેઇન્ટિંગ કરે છે. કુદરતે તેમને આ અનોખી કળાથી નવાજ્યા છે અને આ કલાથી તે વર્ષે અઢી લાખ રૂપિયાની કમાણી પણ કરે છે. તો ચાલો તેમની આ સુહાણી સફર વિશે તેમના જ શબ્દોમાં જાણીએ…

ઓઇલથી પેઇન્ટિંગ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો?

જેશા તેમના આ વિચાર અંગે વાત કરતા જણાવે છે કે, ‘કોરોના સમયમાં જ્યારે લોકડાઉન આવ્યું, ત્યારે સતત કંઇક કરવાની ઇચ્છા થતી હતી. મન પેઇન્ટિંગ કરવા માગતું હતું, પણ બહાર બધુ બંધ હતું. એટલે બ્રશ, કલર કે અન્ય કોઈ સામગ્રી મળે તેમ નહોતી. ત્યારે ઓઇલ જોઈને અચાનક વિચાર આવે છે કે, આનાથી પેઇન્ટિંગ કરી શકાશે. ધીમે ધીમે એક પછી એક એમ ઓઇલથી પેઇન્ટિંગ બનાવાની શરૂઆત થાય છે. શરૂઆતના બે ત્રણ ચિત્રો વખતે તો એવું લાગે છે કે, આનાથી કંઈ થઈ શકશે નહીં, આ તો નક્કામું છે. પરંતુ, પરિવાર અને મિત્રોના સપોર્ટથી મેં આ કામ બંધ ના કર્યું અને મારી નવી સફરની શરૂઆત થઈ.’

મારા પપ્પાએ શિક્ષક સાથે મુલાકાત કરાવી

જેશાએ જામકલ્યાણપુર ગામની સરકારી શાળામાંથી પ્રાથમિક અને માધ્યમિક સહિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવ્યું અને ત્યારબાદ સરકારી વિનયન કોલેજમાં આર્ટ્સમાં એડમિશન લીધું. જેમાં હાલ તે ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. જેશા કહે છે કે, ‘સાતમા ધોરણથી મેં પેઇન્ટિંગની શરૂઆત કરી હતી. ત્યારબાદ જ્યારે હું 10માં ધોરણમાં આવ્યો ત્યારે મારા પપ્પાએ મારો શોખ જોઈ મને ગામમાં એક શિક્ષક હતા, જે પેઇન્ટિંગ્સ બનાવતા હતા, તેમની પાસે લઈ ગયા. જેમનું નામ સામત બેલા. અમારા ગામમાં ચિત્રના એ એકમાત્ર શિક્ષક. મારા પપ્પાએ તેમની સાથે મુલાકાત કરાવી મારા શોખ વિશે જણાવ્યું, ત્યારથી લઈને આજ સુધી મને તેમની પાસેથી ઘણું શીખવા મળ્યું છે. હું તેમને પેઇન્ટિંગ કરતા જોઈને પણ ઘણું શીખ્યો છું. હાલમાં પણ હું તેમની સાથે સ્ટુડિયોમાં જઈને ઘણી વખત પેઇન્ટિંગ કરતો હોઉં છું. મને સતત તેમનું ગાઇડન્સ મળે છે અને હું શીખતો રહું છું.’

ગ્રામ્ય જીવનશૈલીને લગતા ચિત્રો બનાવવા છે

જેશા પેઇન્ટિંગ વિશેના રસ વિશે જણાવતા જેશા કહે છે કે, ‘મને ગ્રામ્ય સંસ્કૃતિ અને ગ્રામ્યજીવનને લગતા ચિત્રો દોરવા વધુ ગમે છે. લોકો શહેરો તરફ વળી ગયા છે, ત્યારે હવે ગામોમાં વસતી ધીમે ધીમે ઘટવા લાગી છે. અધૂરામાં પૂરું ગામમાં રહેતા લોકો પણ હવે શહેરીકરણ અપનાવવા લાગ્યા છે, તેથી હું મારા ચિત્રોમાં આ ગ્રામ્યજીવનને અને આ ગ્રામ્ય સંસ્કૃતિને કંડારવા માગું છું. જેથી વર્ષો પછી પણ જ્યારે કોઈ આ ચિત્રો જોવે તો તેમને ગ્રામ્યજીવન અને સંસ્કૃતિ વિશે ખબર પડે.’

અનેક સેલિબ્રિટિઝના પેઇન્ટિંગ બનાવ્યાં

પેઇન્ટિંગ્સમાં જેશાએ વિવિધ પ્રકારના આર્ટ ઉપર હાથ અજમાવ્યો છે. જેમાં ઓઇલ એન્ડ કેનવાસ પેઇન્ટિંગ, પેન્સિલ સ્કેચ અને વિવિધ પ્રકારના અન્ય પેઇન્ટિંગ પણ તેઓ દોરે છે. તેમણે જાણીતા સિંગરમાં ગીતા રબારી, માયા આહિર, રાજભા ગઢવી અને સાંત્વની ત્રિવેદી જેવા સેલિબ્રિટિઝના ઓઇલ પેઇન્ટિંગ બનાવ્યા છે, જ્યારે એક્ટરમાં વરૂણ ધવન, કપિલ શર્મા, અમિતાભ બચ્ચન વગેરેના પેઇન્ટિંગ્સ બનાવ્યા છે. આ ઉપરાંત ક્રિકેટરની વાત કરીએ તો વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ વગેરેના પેઇન્ટિંગ્સ બનાવ્યા છે.

મોટાભાગનું કામ સોશિયલ મીડિયામાંથી મળે છે

જેશાના સોશિયલ મીડિયામાં હજારો ફોલોવર્સ છે. તેઓ જણાવે છે કે, હું મારા પેઇન્ટિંગ્સના વીડિયો ઇન્સ્ટાગ્રામ સહિત અન્ય સોશિયલ હેન્ડલમાં મૂકતો હતો. જેનાથી મને ધીમે ધીમે લોકોએ તેમને મનગમતા ચિત્રો દોરવાની ઓફર કરી. ત્યારબાદ મેં કમર્શિયલ વર્ક શરૂ કર્યું હતું. મને મોટાભાગનું પ્રોફેશનલ વર્ક સોશિયલ મીડિયામાંથી જ મળે છે. તેમાંથી મને વિવિધ પ્રકારના કમર્શિયલ પ્રોજેક્ટ્સ પણ મળી રહે છે. જેનાથી મને મહિને અંદાજે 20 હજાર જેટલી આવક થાય છે. કમર્શિયલ વર્કમાં જેશા ઓઇલ પેઇન્ટિંગ, પેન્સિલ સ્કેચ, પોઇટ્રેટ સહિતનું કામ કરે છે.

યોગ કરવાના શોખને કારણે રાજ્યકક્ષાએ સુધી પહોંચ્યા

જેશાને માત્ર પેઇન્ટિંગ જ નહીં, યોગ કરવાનો પણ શોખ છે. જેમાં તેમણે ગુજરાતમાં આગવું સ્થાન મેળવ્યું છે. જેશાએ યોગમાં અનેક વખત રાજ્યકક્ષાએ મેડલો તથા પ્રમાણપત્રો જીત્યા છે. આ ઉપરાંત રાજ્યકક્ષાએ યોજાતા યુવામહોત્સવમાં જેશા યોગ કેટેગરીમાં ત્રીજા ક્રમાંકે પણ આવ્યા છે. આ સિવાય જિલ્લામાં થતા ચૂંટણી મહોત્સવમાં પણ તેઓ પ્રથમ ક્રમાંકે આવ્યા હતા. આમ, જેશા સ્વાસ્થયને લઈને પણ ખૂબ જ એક્ટિવ છે.

દેશ-વિદેશમાં એક્ઝિબિશન કરવાનું લક્ષ્ય

જેશા તેમના ગોલ વિશે જણાવતા કહે છે કે, મારે સમગ્ર વિશ્વમાં, દેશમાં મોટા-મોટા એક્ઝિબિશન્સ કરવા છે. હાલ ઘણાં ચિત્રો બની ગયા છે અને ઘણાં ચિત્રો બનાવવાના બાકી છે. જ્યારે આ કામ પૂરું થશે ત્યારે એક એક્ઝિબિશન રાખીશ કે, જેનાથી લોકો ગ્રામ્ય સંસ્કૃતિથી વાકેફ થાય, લોકો સમજે કે ખરેખર ગ્રામ્યજીવન કેટલું સુંદર હોય છે! મારે માતા-પિતાનું નામ રોશન કરવું છે. સાથે સાથે તેઓ જણાવે છે કે, પેઇન્ટિંગ મારો શોખ છે, પણ મારે કોલેજમાં પ્રોફેસર બનવાની ઇચ્છા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *