આ મહિલા અધિકારી વસંત પંચમીએ લગ્ન કર્યા પછી જેલ ભેગી થશે, કંકોત્રી ભારે ચર્ચામાં

લગભગ એક મહિના પહેલા રસ્તા નિર્માણ કરતી કંપની પાસેથી રૂપિયા 10 લાખની લાંચ માંગવાના કેસમાં પકડાયેલી રાજસ્થાનની સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ(SDM)પિંકી મીણાને લગ્ન કરવા માટે કોર્ટે વચગાળાના જામીન આપ્યા છે અને પિંકી મીણા પ્રાંતના જયૂડિશ્યલ સર્વિસ ઓફીસર નરેન્દ્ર સાથે વસંત પંચમીના દિવસે પ્રભુતામાં પગલાં માંડશે. લગ્નના સાત ફેરા બાદ પિંકીને ફરી જેલભેગી કરી દેવાશે. જો કે પિંકી મીણા તેના લગ્નની કંકોત્રીને કારણે ફરી ચર્ચામાં આવી છે.14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડેના દિવસે ટીકા કાર્યક્રમ થઇ ગયો હતો.21 ફેબ્રુઆરીએ પિંકીએ કોર્ટમાં સરેન્ડર કરવું પડશે.

રાજસ્થાનની એસડીએમ પિંકી મીણાની 13 જાન્યુઆરીએ 10 લાખ રૂપિયાની લાંચ લેવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. પિંકીને જયપુરની મહિલા જેલમાં મોકલી આપવામાં આવી હતી. 16 ફેબ્રુઆરીએ પિંકીના લગ્ન નક્કી થયા હોવાથી હાઇકોર્ટે 10 ફેબ્રુઆરીથી 10 દિવસ માટે લગ્ન પ્રસંગ માટે 10 દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. લગ્ન પછી 21 ફેબ્રુઆરીએ પિંકીએ કોર્ટમાં સરેન્ડર કરવું પડશે.22 ફેબ્રુઆરીએ તેણીના જામીન પર ફરી સુનાવણી થશે.

પિંકી મીણા જયપુરના ચિથવાડી ગામની રહેવાસી છે અને જેની સાથે તેના લગ્ન થવાના છે તે નરેન્દ્ર દૌસાના બસવાના રહેવાસી છે અને રાજસ્થાન જયુડિશિયલ સર્વિસની અધિકારી છે અને હાલમાં તેમની જયપુરમાં ટ્રેનિંગ ચાલી રહી છે. પિંકી મીણાની લગ્નની કંકોત્રી ખાસ ચર્ચામાં આવી છે. લગ્ન પત્રિકા પર પિંકીએ સામાજીક સંદેશો પાઠવ્યો છે કે 2 ગજ કી દુરી માસ્ક હે જરૂરી, સભી કોવિડ- 19કા પાલન કરે ઔર માસ્ક લગાકે આયે. અન્નનો બગાડ ન થાય તે માટે પણ પત્રિકા પર એક મેસેજ લખવામાં આવ્યો છે કે ઇતના હી લો થાલી મે વ્યર્થ ન જાયે નાલીમે.

પિંકી મીણા બાંદીકુઇમાં એસડીએમ તરીકે ફરજ બજાવતા હતા અને 13 જાન્યુઆરીએ એન્ટી કરપ્શન બ્યુરોએ દરોડા પાડીને પિંકીને 10 લાખ રૂપિયાની લાંચ લેવાના કેસમાં ધરપકડ કરી હતી. પિંકી મીણાએ દિલ્લી- મુંબઇ નેશનલ એકસપ્રેસવેનું નિર્માણ કરતી કંપનીના પ્રતિનિધિઓ પાસે 10 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. પિંકી મીણાની સાથે દૌસાના એસડીએમ પુષ્કર મિત્તલને પણ 5 લાખ રૂપિયાની લાંચ લેવામાં ધરપકડ કરવામાં આવી હતી અને તે અત્યારે જેલમાં છે. એ પછી તત્કાલીન આઇપીએસ મનીષ અગ્રવાલની પણ ધરપકડ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published.