
ભારતના યુવા ઉદ્યોગપતિઓમાં અંકિતી બોઝનું નામ ચર્ચામાં છે. 1992માં જન્મેલી અંકિતી મલ્ટિનેશનલ સ્ટાર્ટ અપ Zilingoની કો ફાઉન્ડર અને સીઇઓ છે. 2018માં અંકિતીનો સમાવેશ Forbes Asia 30 Under 30 listમાં અને 2019માં તેનો સમાવેશ ફોરચ્યૂન 40 અંડર 40 લિસ્ટમાં અને બ્લૂમબર્ગ 50 લિસ્ટમાં કરવામાં આવ્યો હતો.
અંકિતીએ મુંબઇની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ગણિત અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. કઇ રીતે મળ્યો આઇડિયા? 2014માં અંકિતી બોઝ વેન્ચર કેપિટલ કંપનીમાં એનાલિસ્ટ તરીકે કામ કરતી હતી. એ સમયે તે માત્ર 23 વર્ષની હતી. એ સમયે અંકિતી રજાઓ ગાળવા બેંગકોક ગઇ હતી. બેંગકોકની લોકલ માર્કેટમાં કપડાં ખરીદતી વખતે તેને જાણવા મળ્યું કે ત્યાંનો કોઈ દુકાનદાર અહીં ઓનલાઇન કપડાં વેચતો નથી.
આ સ્થિતિમાં અંકિતીને રસ પડતાં તેણે થોડું રિસર્ચ કર્યુ અને આ રિસર્ચ પછી તેને જાણકારી મળી કે દક્ષિણ-પૂર્વ એશિયામાં રેડીમેડ ગારમેન્ટના ઘણા એવા વેપારી છે જે ઓનલાઇન વેપાર કરતા નથી. આ પછી અંકિતીને તેમના ઓનલાઇન ફેશન પ્લેટફોર્મનો પ્રારંભ કરવાનો વિચાર આવ્યો. બેંગકોકથી ભારત પરત ફર્યા બાદ પાર્ટી દરમિયાન તેણે પોતાનો આઇડિયા મિત્ર ધ્રુવ કપૂર સાથે શેર કર્યો. તે સમયે 24 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર ધ્રુવ ગેમિંગ સ્ટુડિયોમાં કામ કરતો હતો. તેને પણ અંકિતીનો આઇડિયા પસંદ પડ્યો અને બંનેએ આ વિચાર પર કામ કરવાનું શરૂ કર્યું.
કંપનીની સ્થાપના અંકિતી અને ધ્રુવને પોતાના બિઝનેસ આઇડિયામાં એટલો વિશ્વાસ હતો કે 2014ના ડિસેમ્બરમાં બંનેએ તેમની નોકરી છોડી દીધી અને આશરે રૂપિયા 20 લાખની કિંમતે ઝિલિન્ગો નામની કંપની શરૂ કરી. આ કંપનીનું કાર્ય દક્ષિણ-પૂર્વ એશિયાના નાના વેપારીઓને તેમના ઉત્પાદનો વેચવા માટે ઓનલાઇન પ્લેટફોર્મ્સ ઉપલબ્ધ કરાવવાનું હતું. ટ્રેડવોરથી થયો ફાયદો અંકિતીની કંપની બિઝનેસની દુનિયામાં પોતાનું સ્થાન મજબૂત બનાવી રહી હતી ત્યારે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોરની સ્થિતિ ઊભી થઇ જેના પગલે અમેરિકન રિટેલર્સે ચીન સાથે બિઝનેસ કરવાનું બંધ કરી દીધું.
આ સંજોગોને કારણે અંકિતીની કંપનીને અમેરિકામાં બિઝનેસનું વિસ્તરણ કરવાની તક મળી. અંકિતીએ પ્રતિકૂળ સંજોગોમાં પણ પોતાની કંપની માટે અનુકૂળતા ઊભી કરી. તેણે કેલિફોર્નિયાની કંપનીને મોટા પ્રમાણમાં ભારતીય ફેબ્રિકની નિકાસ કરી. આમ, અંકિતીની કંપનીએ વૈશ્વિક બિઝનેસમાં પોતાનું મજબૂત સ્થાન જમાવી દીધું અને માત્ર 20 લાખની મુડીથી શરૂ થયેલી કંપનીએ ગણતરીના વર્ષોમાં અબજોની કંપનીઓમાં સ્થાન મેળવી લીધું.