પોરબંદરના ગઢવી પરિવારે વિધવા પુત્રવધૂને દીકરી તરીકે રાખી ફરી લગ્ન કરાવ્યા…ખૂબ ખૂબ અભિનંદન….

પોરબંદર: આપણા સમાજમાં ઘણા એવા રિવાજો છે, જે મહિલાઓને અન્યાયકર્તા છે. જેમ કે લગ્ન બાદ કોઈ મહિલાનું મૃત્યુ થાય તો તેના પતિને બીજા લગ્ન કરવાની છૂટ હોય છે, જ્યારે ઘણી જ્ઞાતિઓમાં લગ્ન બાદ પતિનું મૃત્યુ થાય તો મહિલાએ આખી જિંદગી વિધવા તરીકે ગુજરાવી પડે છે.

આ ઉપરાંત હાલ સામાન્ય રીતે એવો રિવાજ છે કે, લગ્ન બાદ મહિલાનું મોત થાય તો તેને તેના પિયર પાછી મોકલી દેવામાં આવે છે, જ્યાં મહિલના માતા-પિતા ફરી તેના લગ્ન કરે છે. પણ પોરબંદરનો આ કિસ્સો અલગ છે. પોરબંદરમાં બે વર્ષ પહેલાં વિધવા બનેલી પુત્રવધૂના હાલમાં ધામધૂમથી લગ્ન કરાવી ગઢવી પરિવારે સમાજ ને અનેરો રાહ ચીંધ્યો છે.

પોરબંદરના જયુબેલી વિસ્તારમાં રહેતા અને ટાયરટ્યુબના વ્યવસાય સાથે સંકળાયેલા ભરતભાઈ હમીરભાઈ દાંતી(ગઢવી)ના સૌથી નાના ભાઈ 28 વર્ષીય કુંજને પડોશમાં જ રહેતી 25 વર્ષીય રેખાબેન ઉમેદપુરી ગૌસ્વામી સાથે ફેબ્રુઆરી-2017માં પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન પહેલાથી કુંજન બીમાર રહેતો હતો અને લગ્નના દસ માસ બાદ જ ડીસેમ્બર-2017માં તેનું બીમારીના કારણે મોત થતા સમગ્ર ગઢવી પરિવાર અને કુંજન સાથે લગ્ન કરનાર રેખાબેન પર આભ તૂટી પડ્યું હતું.

કુંજનના મોત બાદ રેખાબેનની દેખભાળ ભરતભાઈનો સમગ્ર પરિવાર પોતાની પુત્રીની જેમ કરતો હતો. ત્યાર બાદ રેખાબેનની હજી ઉમર નાની હોવાથી યોગ્ય પાત્ર શોધી પરણાવવાનો વિચાર પરિવારને આવ્યો હતો.આથી તેને લાયક પાત્ર અને તે પણ તેમની જ જ્ઞાતિનું શોધવા પુત્રવધુ અને તેના માવતરને જણાવ્યું હતું.

પોરબંદરના ખાંભોદર રહેતા અને ટુર્સ અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા હિતેશકુમાર નામનો યુવાન પસંદ આવતા રેખાબેનની મરજી મુજબ તાજેતરમાં રેખાબેન અને હિતેશકુમારના આર્યસમાજ ખાતે લગ્ન યોજવામાં આવ્યા હતા.

ભરતભાઈ તેમના પત્ની સીમાબેન તેમજ ભરતભાઈના ભાઈ જીગ્નેશ અને ભાભી ઉમાબેન તથા તેમના માતા જીવુબેને પુત્રવધૂ થઇને આવેલા રેખાબેનના પુત્રી તરીકે લગ્ન કરાવી આપ્યા હતા.

અટલું જ નહીં ગઢવી પરિવાર તેમને જરૂરી તમામ કરિયાવર પણ આપ્યો હતો. આમ પોરબંદરના ગઢવી પરિવારે ક્રાંતિકારી નિર્ણય લઇ અને સમાજને અનેરો રાહ ચીંધ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.