કરોડોનું કૌભાંડ કરી ‘કાગળ પર’ મો’તને ભેટેલા વેપારીને પોલીસ બારમાંથી જીવતો પકડી લાવી

સુરત: બેંકોમાંથી કરોડો રુપિયાની લોન લઈને પોતાનું ફેક સર્ટિ. બનાવડાવી લેનારા એક કાપડના વેપારીને પોલીસે ઝડપી લીધો છે. આ વેપારી મુંબઈના બારમાં રુપિયા ઉડાવી રહ્યો હતો ત્યારે જ પોલીસે તેને પકડી લીધો હતો. બેંકોને કરોડોમાં નવડાવનારા આ વેપારીએ અન્ય એક વેપારીને પણ ચાર લાખનો ચૂનો લગાડ્યો હતો. જોકે, આ મામલે ફરિયાદ થતાં તેને જેલની હવા ખાવાનો વારો આવ્યો હતો, અને જામીન પર છૂટ્યા બાદ તેણે પોતાનું ડેથ સર્ટિ. બનાવડાવી લીધું હતું.

સુરતના અલથાણ વિસ્તારમાં રહેતા કમલ ઉર્ફે કમલેશ ચંદવાણી અને તેના પાર્ટનર ગણેશ સિન્હાની જુલાઈ 2020માં ચાર લાખ રુપિયાના ચિટિંગના કેસમાં ધરપકડ કરાઈ હતી. તેમની વિરુદ્ધ સંજય ખૈરાડી નામના એક વેપારીએ ફરિયાદ નોંધાવી હતી. જોકે, જેલમાં ગયા બાદ ચંદવાણીએ જામીન માટે સ્થાનિક કોર્ટમાં અરજી હતી, જે કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી.

સ્થાનિક કોર્ટમાંથી જામીન ના મળતાં ચંદવાણીએ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. કોર્ટે ચંદવાણીને બે લાખ રુપિયા જમા કરાવવા માટે જણાવ્યું હતું. જોકે, બહાર આવ્યા બાદ બે લાખ જમા કરાવવાને બદલે ચંદવાણીના દીકરા વરુણે કોર્ટમાં તેના બનાવટી ડેથ સર્ટિ સહિતના અન્ય દસ્તાવેજો રજૂ કર્યા હતા.

પોતે મોતને ભેટ્યો છે તેવું સાબિત કરવા ચંદવાણીએ કોર્ટમાં ખોટા દસ્તાવેજો રજૂ કરી કોર્ટની આંખોમાં ધૂળ નાખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેના આ કાંડની તેની સામે ઠગાઈની ફરિયાદ કરનારા વેપારીને ખબર પડી ગઈ હતી. તે વેપારીએ આ અંગે પોલીસને જણાવતા પોલીસ પણ તુરંત જ હરકતમાં આવી ગઈ હતી.

ચંદવાણી વિરુદ્ધ તપાસ શરુ કરાતા એવું જાણવા મળ્યું હતું કે તેણે સિદ્ધિ ક્લિનિકના ડોક્ટર પાસેથી ફેક ડેથ સર્ટિ બનાવડાવ્યું હતું, અને તેને એક અજાણ્યા મૃતદેહ સાથે રામનાથ ઘેલા સ્મશાનગૃહમાં જમા કરાવી દીધું હતું. થોડા સમય બાદ સ્મશાનમાંથી ઈશ્યૂ કરવામાં આવેલા દસ્તાવેજના આધારે ચંદવાણીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી ડેથ સર્ટિફિકેટ બનાવડાવી લીધું હતું.

પોલીસને એવું પણ જાણવા મળ્યું છે કે, ખોટા ડેથ સર્ટિ.ના આધારે ચંદવાણીના પરિવારજનોએ વીમા કંપનીઓનો પણ સંપર્ક કરીને વીમાની રકમ મેળવવાના પ્રયાસો શરુ કરી દીધા હતા. હાલ પોલીસે તેમની સામે નકલી દસ્તાવેજો ઉભા કરવા સહિતના અલગ-અલગ ગુના દાખલ કર્યા છે.

સલાબતપુરા પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા અનુસાર, ચંદવાણી વડોદરા, અમદાવાદ અને સુરતમાં બીજા પણ અનેક લોકો સાથે ઠગાઈ આચરી ચૂક્યો છે. તેણે બેંકોમાંથી લોન પણ લીધી છે, અને ફેક ડેથ સર્ટિના આધારે વીમાની રકમ મેળવવા પણ તેણે તૈયારી શરુ કરી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published.