હાજીપુરની યુવતી વર્લ્ડ યુનિ. ટ્રાયલમાં 21 કિ.મી. દોડમાં પ્રથમ

પાટણના હાજીપુર ગામની નિરમા ઠાકોરે તાજેતરમાં ઓડિશાના ભુવનેશ્વર ખાતે યોજાયેલ વર્લ્ડ યુનિવર્સિટી ટ્રાયલમાં હેમ ઉ.ગુ. યુનિવર્સિટી પાટણનું પ્રતિનિધિત્વ કરી ૨૧ કિલો મીટરની દોડ એક કલાક અને બાવીસ મિનિટ અને છ સેકન્ડમાં પૂરી કરી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી ઉ.ગુ. યુનિવર્સિટી સહિત ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.

ગત તા. 7થી 10 માર્ચ 2021ના રોજ ભુવનેશ્વર ખાતે યોજાયેલી વર્લ્ડ યુનિવર્સિટીના ટ્રાયલમાં લાંબી દોડની સ્પર્ધામાં હાજીપુર ગામની દોડવીર નિરમા ઠાકોરે ઉ. ગુ. યુનિ.નું પ્રતિનિધિત્વ કરી 21 કિ.મી.ની દોડમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. તેણે અન્ય સ્પર્ધકોને પ્રેરણા આપતા જણાવ્યું હતું કે હૈયામાં હામ હોય તો કોઈ પણ વ્યક્તિ કે સ્પર્ધક તમારી સફળતા માટે રોકી શકતો નથી.

નિરમા ઠાકોર દ્વારા 21 કિલોમીટર લાંબી દોડમાં પ્રથમ ક્રમાંક મેળવતા યુનિવર્સિટીના કુલપતિ ડો જે જે વોરા અને નિયામક શારીરિક શિક્ષણ ડો ચિરાગ પટેલે નિરમા ઠાકોરને અભિનંદન પાઠવ્યા હતા અને આગામી સમયમાં ચાઇના ખાતે યોજાનાર વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ 2021માં ભારતનું પ્રતિનિધિત્વ કરી પ્રગતિના સોપાન સર કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published.