અંગ્રેજોના અપમાનનો બદલો લેવા જમશેદજી ટાટાએ ખોલી હતી આ હોટેલ, હવે બની દુનિયાની સૌથી મજબૂત બ્રાન્ડ

‘તાજ’ ટાટા સમૂહની ઈન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ (IHCL)ની બ્રાન્ડ છે. તે હાલમાં દુનિયાની સૌથી મજબૂત હોટેલ બ્રાન્ડ તરીકે પસંદ કરવામાં આવી છે. પણ આ બ્રાન્ડની શરૂઆત પાછળની કહાની પણ એકદમ રોચક છે. આ હોટેલને શરૂ કરીને ટાટા ગ્રૃપના સંસ્થાપક જમશેદજી ટાટાએ અંગ્રેજો સામે પોતાના અપમાનનો બદલો લીધો હતો.

બ્રિટેનની બ્રાન્ડ વેલ્યુએશન કન્સ્લટન્સી બ્રાન્ડ ફાયનાન્સે પોતાનો વાર્ષિક ‘હોટેલ્સ 50 2021’ રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં ટાટા ગ્રૃપની આ હોટેલ બ્રાન્ડ દુનિયાની સૌથી સ્ટ્રોન્ગ બ્રાન્ડ જાહેર કરી છે. સૌથી અનોખી વાત એ છે કે જે અંગ્રેજોથી બદલો લેવા માટે આ હોટેલનો પાયો નખાયો હતો. આજે તે જ દેશની કંપની દ્વારા તેને દુનિયાની સૌથી સ્ટ્રોન્ગ હોટેલ બ્રાન્ડ જાહેર કરવામાં આવી છે.

તાજ બ્રાન્ડ અંગે બ્રાન્ડ ફાયનાન્સના CEO ડેવિડ હેગે કહ્યું કે, તાજ હોટેલ્સની વિરાસત 100 વર્ષથી વધારે જૂની છે. હાલની મહામારીના પડકારો છતાં પણ આ ભારતીય આતિથ્યના કસ્ટોડિયનની જેમ ઉભી છે.

ટાટા સમૂહના સંસ્થાપક જમશેદજી ટાટાએ આધુનિક ભારત માટે અનેક સપનાંઓ જોયા હતા. દેશની પહેલી તાજ હોટેલ મુંબઈમાં ગેટ વે ઓફ ઈન્ડિયાની સામે 1903માં શરૂ થઈ હતી. અને આજે આ બ્રાન્ડની હોટેલ દેશના અનેક શહેરોમાં ઉપલબ્ધ છે.

ટાટા સમૂહની વેબસાઈટ મુજબ જમશેદજી ટાટાએ એક વખત તેમના કોઈ વિદેશી મિત્રને મુંબઈમાં એક પ્રસિદ્ધ હોટેલમાં મળવા માટે બોલાવ્યા હતા. પણ જ્યારે તે પોતાના મિત્ર સાથે હોટેલ પર પહોંચ્યા તો હોટેલના મેનેજરે તેમને એમ કહેતાં અટકાવી દીધા કે તે ભારતીયોને અંદર પ્રવેશવાની મંજૂરી આપતા નથી. આ ઘટનાથી જમશેદજી ટાટા દુઃખી થયા હતા અને પોતાની હોટેલ શરૂ કરવાનો સંકલ્પ કર્યો હતો.

તાજ હોટેલ કોરોના કાળમાં પોતાના મહેમાનો સાથે સન્માનથી ઉભી છે. પણ એટલું જ નહીં વર્ષ 2008ના 26/11ના મુંબઈ હુમલામાં પણ આતંકીઓએ તાજ હોટેલને નિશાન બનાવી હતી. ભારે નુકસાન થવા છતાં આ હોટેલ ફરીથી બેઠી થઈ હતી. તાજની પરંપરામાં ફક્ત અતિથિઓનું ધ્યાન નહીં પણ તેના દરેક કર્મચારીનું ધ્યાન રાખવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *