
બે અઠવાડિયા પહેલા કતારગામની કિશોરીને સિંગણપોરમાં આવેલા કપલ બોક્સમાં લઈ જઈ બોય ફ્રેન્ડે અંગત પળનો વિડિયો ઉતારી લીધા બાદ તરૂણીને કહ્યું કે, ‘જો તારા ઘરમાં ચોરી કરી મને રૂપિયા નહી આપે તો આ વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ કરી દઈશ.’ આ અંગે પોલીસમાં એફઆરઆઈ પણ થઈ છે. શહેરમાં માત્ર કતારગામ, સિંગણપોર જ નહીં પણ વરાછા, કાપોદ્રા, પુણા સહિત શહેરમાં જ 350થી વધુ કપલ બોક્સ ચાલી રહ્યાં છે. પ્રાયવસી શોધતા ટીનએજ માટે કપલ બોક્સની અંગત પળો કેટલી સુરક્ષિત છે ? દિવ્યભાસ્કરે શહેરના વિવિધ કપલ બોક્સમાં સ્ટિંગ ઓપરેશન કર્યું હતું.
કપલ બોક્સમાં શું હોય? 5 ફૂટનો બેડ, અંદરથી લોક કરાઈ તેવી કેબિન
દરેક કપલ બોક્સ એસીની ચીલ્ડ ઠંડકથી સજ્જ હોય છે. આજુબાજુના બોક્સની પ્રાઈવસી જળવાઈ રહે તે માટે દરેક બોક્સમાં દરવાજો હોય છે. આ દરવાજો અંદરથી બંધ થઈ શકે છે. કપલ બોક્સની અંદર આછી-આછી રોશની અથવા લાઈટ બંધ હોય છે. અથવા જે જગ્યા પર લાઈટ હોય છે તે નાઈટ લેમ્પથી વિશેષ હોતી નથી. બોક્સની અંદર સુઈ શકાય તે માટે બેડ પણ હોય છે. બાજુમાં રહેલાં બોક્સનો અવાજ ન સંભળાય તે માટે હાઈ વોલ્યુમ પર સતત લવ સોન્ગ વાગતા હોય છે.
પોલીસની ચિંતા છોડી દો, પોલીસ આવશે તો પણ તમને કંઇ નહીં, સ્થળ : રેશમા સર્કલ, પુણાગામ સમય : 3 કલાક 30 મિનીટ
રેશમા સર્કલ પાસે આવેલા એક શોપિંગ સેન્ટરમાં આવેલા સાડા ત્રણ વાગ્યે ગઈ હતી. અંદર પ્રવેશ્યા ત્યારે 6 જેટલા કપલ બોક્સ હતાં અને તે તમામ બોક્સ ફૂલ હતાં.
રિપોર્ટર – ગર્લ ફ્રેન્ડને લઈને આવવું છે?
સંચાલક – એક કલાકના 200 રૂપિયા છે અને તમારે મિનિમમ 50 રૂપિયાનો બીજો કોઈ ઓર્ડર આપવો પડશે
રિપોર્ટર – કપલ બોક્સમાં સુવા માટે વ્યવસ્થા છે ?
સંચાલક – હા સુવા માટે બેડ પણ છે.
રિપોર્ટર – અત્યારે જગ્યા છે ?
સંચાલક – હાલ તો ફૂલ છે, ફોન કરી ID લઇ આવજો.
રિપોર્ટર – પોલીસ તો આવશે નહીં ને?
સંચાલક – પોલીસની તમે ચિંતા છોડી દો, પોલીસ આવશે તો પણ તમને કઈ કરશે નહીં.
સંચાલન કરતી યુવતીએ કહ્યું કે ‘એક કલાકના 200 રૂપિયા છે, સ્થળ : યોગીચોકસમય : 5 કલાક 6 મિનિટ
યોગી ચોક વિસ્તારના કપલ બોક્સ પહેલા માળે આવેલું છે. બોક્સમાં અંદરથી લોક લાગી જાય તેવી વ્યવસ્થા હતી. સુવા માટે 5 ફૂટ જેટલો બેડ હતો. સંચાલન યુવતિ કરતી હતી.
રિપોર્ટર : મારે ગર્લ ફ્રેન્ડને લઈને આવવું છે કેટલો ચાર્જ થશે
સંચાલક : એક કલાકના 200 રૂપિયા છે.
રિપોર્ટર : ઓર્ડર આપવાનો
સંચાલક : સ્નેક મળે છે, આ મેનુ છે,
રિપોર્ટર : બોક્સ જોઈ શકું
સંચાલક : હા જોઈ લો
રિપોર્ટર : આટલું અંધારું કેમ છે, થોડી લાઈટ કરોને, રેડ તો નહીં પડેને ?
સંચાલક : ના રેડ નહીં પડે. બસ તમારી ગર્લ 18 વર્ષથી ઉપરની હોવી જોઈએ. તેમનો પુરાવો સાથે રાખજો.
નાસ્તાનો ઓર્ડર ન આપો તો ચાલે પણ બોક્સનો ચાર્જ દેવો પડશે, સ્થળ : પુણા ગામસમય : 5 કલાક 16 મિનિટ
યોગી ચોક વિસ્તારની એક બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા કપલ બોક્સમાં ગયા ત્યારે તેમાં પણ લાઈટ બંધ હતી. મ્યુઝિક હાઈ વોલ્યુમ પર વાગતું હતું.
રિપોર્ટર : ભાવ શું છે?
સંચાલક : દર કલાકના 200 રૂપિયા
રિપોર્ટર : ઓર્ડર દેવો પડશે ?
સંચાલક : તમારા પર છે, નહીં દેવો હોય તો પણ કઈ નહીં
રિપોર્ટર : કેક મળશે ?
સંચાલક : બર્થ ડે સેલિબ્રેશન કરવું છે? કેક 700થી અને ડેકોરેશન માટે 1700 રૂપિયા ચાર્જ થશે
રિપોર્ટર : કેટલા વાગ્યા સુધી શરૂ હોય છે
સંચાલક : આજે કરવું છે ? સવારે 8 વાગ્યા સુધી ચાલું હોય છે, ફોન કરીને આવજો
અમે કોઈને પરમીશન નથી આપી
પોલીસ કમિશનર અજય તોમર એ જણાવ્યુ કે, કપલ બોક્સ હોવાએ ગુન્હો નથી. પરંતુ દરવાજો બંધ થાય, લાઈટ બંધ થાય તેવી વ્યવસ્થા હોય તો તે ગેરકાયદે કહી શકાય. આવા કપલ બોક્સ વિશે મને જાણકારી નથી. તપાસ કરીશું અને આવા કપલ બોક્સ માટે અમે કોઈને પરમિશન પણ આપી નથી.
ગુનાહિત પ્રવૃત્તિઓ થઇ શકે છે
એડવોકેટ કીર્તિ ગજેરા એ જણાવ્યુ કે, હાલ આવા બોક્સ માટે કોઇ ગાઇડલાઇન નથી. આવા સ્થળે તો છોકરી વિરોધ કરે તો પણ બળજબરી કે બ્લેકમેઇલની ગુનાહિત પ્રવૃત્તિઓ થઇ શકે છે. આવી કેબિનો સભ્ય સમાજ માટે યોગ્ય તો કહી જ ના શકાય
ગુમાસ્તા લાઇસન્સ અપાયું નથી
આસિસ્ટન્ટ કમિશનર, પાલિકા આર.એમ.ગામીત એ જણાવ્યુ કે, કપલ બોક્સ માટે સુરત મહાનગરપાલિકાએ હજુ સુધી કોઇને ગુમાસ્તા ધારા હેઠળ લાઇસન્સ આપ્યું નથી અને આવા બોક્સ માટે કોઇ ગાઇડલાઇન પણ બની નથી.ફરિયાદ આવશે તો અમે કાર્યવાહી કરીશું