સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રેકોર્ડ આ બે રાજ્યો તોડી શકે, જાણો કોની પ્રતિમાઓ તૈયાર થશે

ગુજરાતમાં વિશ્વનું સૌથી ઉંચું 182 મીટરનું સ્ટેચ્યુ ઓફ યુનિટી થોડાં સમયમાં જ તેનું ગૌરવવંતુ સ્થાન ગુમાવશે, કારણ કે ભારતમાં જ બે એવી પ્રતિમાઓ એવી બની રહી છે કે જે ગુજરાતના ગૌરવને તોડશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ઉંચાઇનો રેકોર્ડ આ બન્ને પ્રતિમાઓ તોડશે. કોરોના સંક્રમણના સમયે 2020માં આ બન્ને પ્રતિમાનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે પરંતુ 2021માં વેગથી શરૂ થનારા કામ પછી 2023 સુધીમાં નિર્માણ કાર્ય પૂર્ણ થશે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31મી ઓક્ટોબર 2018ના રોજ કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ધધાટન કર્યું હતું. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 3000 કરોડ રૂપિયા થયો છે. આ સ્ટેચ્યુ સાથે મનોરંજન માટેની અનેક એમિનિટીઝ ઉમેરવામાં આવી હોવાથી ગુજરાતના આ પ્રવાસન સ્થળનો કુલ ખર્ચ 5000 કરોડ રૂપિયા જેટલો થયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવો દાવો કર્યો હતો કે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વિશ્વનું સૌથી ઉંચુ સ્મારક છે પરંતુ તેમનો દાવો ભારતના બે રાજ્યો તોડી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં મુંબઇમાં અરબી સમુદ્રમાં બની રહેલા શિવાજી મહારાજના સ્ટેચ્યુની ઉંચાઇ 212 મીટર રાખવામાં આવી છે.

શરૂઆતમાં શિવાજીની પ્રતિમા 192 મીટર ઉંચી બનાવવાની થતી હતી પરંતુ મહારાષ્ટ્ર સરકારે પાછળથી તેની ઉંચાઇ વધારીને 212 મીટર કરી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિવાજીની પ્રતિમાના પ્રોજેક્ટનું જળપૂજન 24મી ડિસેમ્બર 2016ના રોજ કર્યું હતું. આ સ્મારક દેશ અને વિદેશના ટુરિસ્ટો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનશે તેવો દાવો મહારાષ્ટ્રની સરકારે કર્યો છે.

આ સાથે ઉત્તરપ્રદેશની સરકારે પણ એવી જાહેરાત કરી હતી કે તે અયોધ્યામાં ભગવાન રામની પ્રતિમા બનાવી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ પ્રોજેક્ટ માટે 447 કરોડની બજેટ જોગવાઇ કર્યા પછી તેનું કામ શરૂ થયું છે. ભગવાન રામની આ પ્રતિમા 151 મીટર ઉંચી હશે જેની ઉપર ઓવરહેડ છત્રની ઉંચાઇના 20 મીટર અને પ્રતિમાની પીઠની ઉંચાઇના 50 મીટર ઉમેરતાં કુલ 221 મીટરની ઉંચી પ્રતિમા હશે.

દેશના બે રાજ્યો પૈકી મહારાષ્ટ્ર શિવાજી મહારાજનું સ્મારક 212 મીટર અને ઉત્તરપ્રદેશ ભગવાન રામની પ્રતિમા 221 મીટર બનાવશે ત્યારે ગુજરાતના કેવડિયા સ્થિત 182 મીટરનું સરદાર પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉંચાઇમાં નાનું પડશે અને દેશના બે રાજ્યો ગુજરાતનો વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનો વિક્રમ તોડશે.

Leave a Reply

Your email address will not be published.