હવે નહિ રહે પેટ્રોલની કિંમતનો ડર: અમદાવાદના વિદ્યાર્થીઓએ બનાવ્યું કમાલનું E-Bike

હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે અને મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના વાહન ચાલકોને આ ભાવ દઝાડી રહ્યા છે. જોકે, પેટ્રોલથી દોડતા બાઇક સામે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ શોધી કાઢ્યો ઇ બાઈકનો વિકલ્પ. વિદ્યાર્થીઓએ પેટ્રોલ બાઈકમાં કન્વર્ઝન કિટનો ઉપયોગ કરીને ઈલેક્ટ્રીક બાઈકમાં રૂપાંતરીત કર્યું છે. આ ઇ બાઇક 2 યુનિટ લાઈટ બિલના ખર્ચમાં 80 કિ.મી. સુધીની મુસાફરી કરી શકાય છે. જે 0.25 પૈસા / પ્રતિ કિમીનું એવરેજ આપે છે.

સમગ્ર વિશ્વમાં પુન:અપ્રાપ્ય ખનીજ સ્ત્રોતોના વપરાશમાં દિન-પ્રતિદિન વધારો થતો જોવા મળે છે. જેના કારણે આગામી પેઢી માટે પુન: અપ્રાપ્ય ખનીજ સ્ત્રોતના વપરાશનો વૈકલ્પિક સ્ત્રોત મેળવવો ખૂબ જ આવશ્યક છે. સૌરઉર્જા જેવા પુન:પ્રાપ્ય અને અન્ય વૈકલ્પિક સ્ત્રોતનો વપરાશ સમગ્ર માનવસૃષ્ટીના જીવનચક્ર માટે પણ ફાયદાકારક છે. આ હેતુસર GTU સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝમાં ઈનોવેશન એન્ટરપ્રિન્યોરશિપમાં અભ્યાસ કરતાં અર્પિત ચૌહાણ અને કાર્તિક આત્રેયા નામના વિદ્યાર્થીઓએ પેટ્રોલ બાઈકમાં કન્વર્ઝન કિટનો ઉપયોગ કરીને ઈલેક્ટ્રીક બાઈકમાં રૂપાંતરીત કર્યું છે.

આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, પુન:અપ્રાપ્ય ખનીજ સ્ત્રોતોનો વપરાશ મહદઅંશે થાય. આગામી ભાવી પેઢી માટે સૌરઉર્જા અને વૈકલ્પિક ઉર્જાનો વપરાશ વધારવા માટે આ પ્રકારના ઈનોવેશન અને સ્ટાર્ટઅપ ખૂબ જ ઉપયોગી નિવડશે.અર્પિત ચૌહાણ અને કાર્તિક આત્રેયાએ જણાવ્યું હતું કે, જનસામન્યની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને અમે પેટ્રોલ બાઈકમાં કન્વર્ઝન કિટનો ઉપયોગ કરીને ઈલેક્ટ્રીક બાઈકમાં રૂપાંતરીત કર્યું છે. છેલ્લા 6 વર્ષથી અમારા દ્વારા રીસર્ચ કરવામાં આવી રહ્યું હતું, જે આટલાં વર્ષો બાદ સફળ થયું છે. દરેક વ્યક્તિને આર્થિક રીતે પરવડી શકે અને પ્રદૂષણ રહિત આ ઈલેક્ટ્રીક બાઈકનું રૂપાંતરણ કોઈ પણ પેટ્રોલ બાઈકમાંથી 3 કે 4 દિવસના સમયમાં 15થી 20 હજારના ખર્ચમાં કરાવી શકાય છે. જેમાં 4 લેટએસિડ અને લિથિયમની 2 કુલ મળીને 6 બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 90 મિનિટના સમયગાળામાં ફૂલ ચાર્જીંગ કરેલ બેટરીથી 0.25 પૈસા / કિમીની એવરેજથી 80 કિમી સુધીની મુસાફરી કરી શકાય છે. જેનો ખર્ચ માત્ર 2 યુનિટ લાઈટ બિલના 12 થી 20 રૂપિયા જેટલો થાય છે. આ બેટરી 2000 વખત ચાર્જીંગ કરી શકાય છે.

વધુમાં જણાવતાં તેઓએ કહ્યું હતું કે, પેટ્રોલથી સંચાલિત બાઈકમાં પ્રતિ કિમી 500 ગ્રામ કાર્બન ડાયોક્સાઈડ અને સલ્ફર ડાયોક્સાઈડનું ઉત્સર્જન થતું હોય છે. જ્યારે 10થી 12 ડેસિબલની માત્રામાં ધ્વની પ્રદૂષણ ફેલાય છે. જ્યારે ઈલેક્ટ્રીક કન્વર્ઝન બાઈકમાં હવાનું પ્રદૂષણ થતું નથી. માત્ર 3થી 6 ડેસિબલની માત્રામાં જ અવાજ થતો હોવાથી 70% થી પણ ઓછી માત્રામાં ધ્વની પ્રદૂષણ થતું જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published.