રાજકોટ : 8 ચોપડી પાસ, ભણેલા-ગણેલાઓને છેતરતા, ચાર યુવતીઓ સહિત સાતની ધરપકડ

રાજકોટ : શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પોલીસ કમિશનરની કચેરીથી માત્ર 300 મીટર દૂર ફોરેક્સ ટ્રેડિંગના નામે ઠગાઈ કરનારી ચાર યુવતીઓ સહિત કુલ સાત આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરીથી 300 મીટર દૂર આવેલા સ્ટાર પ્લાઝામાંથી કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચાર યુવતીઓ સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી છે તેમજ લેપટોપ 19 મોબાઇલ સહિત કુલ 99 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ત્યારે સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં પીએસઆઇ હસમુખ ધાંધલીયાએ જણાવ્યું હતું કે, પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેશ બાળા, સિધ્ધરાજસિંહ જાડેજા તેમજ અશોકભાઇ ડાંગર ને ચોક્કસ રાહે બાતમી મળી હતી કે, રાજકોટ શહેરના ફુલછાબ ચોક પાસે આવેલા સ્ટાર પ્લાઝાના ચોથા માળે ઓફિસ નંબર 409 માં insure care નામની ઓફિસમાંથી કોલ સેન્ટરના માધ્યમથી ભારતના અલગ અલગ રાજ્યના નાગરિકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવતા ચાર યુવતીઓ સહિત સાત વ્યક્તિઓ ઝડપાયા છે. તમામને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તમામ આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ક્રાઇમ બ્રાન્ચની ટીમે લતીફ નરીવાલા, આમિર નરીવલા, નસરુલ્લાહ પારૂપિયા, કાજલ બેન મકવાણા કોમલબેન પ્રાગડા પૂજાબેન સોલંકી તેમજ સાહિસ્તા બેન સહિતના આરોપીઓની રિમાન્ડ દરમિયાન પૂછપરછ શરૂ કરી છે.

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવેલા શખ્સોએ શેરબજારમાં ટીપ આપવાના ઓઠા હેઠળ કોલ સેન્ટર શરૂ કર્યું હતું. જે અંતર્ગત સુરતના એન્જલ બ્રોકિંગના તથા અન્ય જગ્યાએ ડિમેટ એકાઉન્ટ ધરાવતા લોકોના ડેટા મેળવ્યા હતા. જે બાદ લોકોના નંબર પરથી કોલ સેન્ટર મારફતે તેમનો સંપર્ક કરી એપ્લિકેશનમાં trade કરવાથી ચોક્કસ નફો થાય છે તેની ખાતરી પણ આપી હતી. તો સાથે જ ૩૦ ટકા કમિશન આપવાનું તેવી લાલચ આપી ખાતું ખોલાવવા માટે આધારકાર્ડ પાનકાર્ડ બેન્ક ડીટેલ અલગ-અલગ whatsapp નંબર પરથી મેળવી એકાઉન્ટ એક્ટિવ કર્યા હતા. ત્યારબાદ એકાઉન્ટ ધારકને બેંક એકાઉન્ટમાં પ્રથમ 15000 રૂપિયા થી લઇ 35 હજાર રૂપિયા જેટલી રકમ યુપીઆઈ મારફત અથવા અન્ય કોઈ રીતે બેંક એકાઉન્ટમાં જમા કરવાનું કહેવામાં આવતું હતું ત્યારબાદ એકાઉન્ટ ધારક રકમ જમા કરાવે તે પછી તેના એકાઉન્ટમાં નફો કર્યાનો ખોટો દેખાવ ઊભો કરવામાં આવતો હતો. ત્યારબાદ તેનું એકાઉન્ટ બંધ કરી દેવામાં આવતું હતું.

હાલ રિમાન્ડ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને કેટલીક ચોંકાવનારી હકીકત પણ મળી છે. જે મુજબ કોલ સેન્ટરનો સંચાલક માત્ર ધોરણ-૧૨ સુધી જ ભણેલો છે. જ્યારે કે સુપરવાઈઝર તરીકે રહેલા આમિર અને આસિસ્ટન્ટ સુપરવાઇઝર નસરુલ્લાહ માત્ર આઠ ધોરણ ભણેલા છે. ત્યારે લોકો ને ફસાવવા માટે આ ટોળકીએ કોલ સેન્ટરમાં નોકરી કરતી હોય તેવી યુવતીઓનો ઉપયોગ કર્યો હતો. તો સાથે જ યુવતીઓને એક સપ્તાહની તાલીમ પણ આપવામાં આવતી હતી જેમાં રોકાણકારોને કઈ રીતે ફસાવવા તે સહિતની તમામ બાબતો તેમને જણાવવામાં પણ આવતી હતી.

ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં પાંચ મહિનામાં બીજું કોલસેન્ટર ઝડપાયું છે. ત્યારે ડોટ કોમ આરોપીઓ પાસેથી 8000 ડિમેટ એકાઉન્ટ ધારકો ના ડેટા પોલીસે કબજે કર્યા છે. તો બીજી તરફ આરોપીઓ અખબારો અને વેબસાઈટ મારફતે ટેલીકોલર માટે જાહેરાતો પણ આપી હતી. ત્યારે ઝડપાયેલ ટોળકીએ અત્યાર સુધીમાં 70 થી 80 જેટલા ગ્રાહકો આ ટોળકીનો શિકાર બન્યા હોવાનું પણ જણાય રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.