10 લાભાર્થીઓને મકાનની ‘ચાવી’ અપાઈ, 2100 પરિવાર ટૂંકસમયમાં ઘરધણી બનશે

ભાજપની સરકાર દ્વારા કોઈ લાભાર્થીઓને ઘરના સપના નથી દેખાડવામાં આવ્યા પરંતુ એ સપના સાકાર પણ કર્યા હોવાનું ધારાસભ્ય શંભુજી ઠાકોરે જણાવ્યું હતું. આજે ગુડા દ્વારા 26 કરોડના ખર્ચે નિર્માણ પામેલા 336 આવાસોનું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વડોદરા ખાતેથી ઈ-લોકાર્પણ કરવામાં આવ્યા હતા. તો બીજા 2100 આવાસોનું ડ્રો કરવામાં આવ્યું હતું. આ પરિવાર ટૂંક સમયમાં પોતાના ઘરમાં ગૃહપ્રવેશ કરશે.

ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ કરાયેલ 336 આવાસોનું લોકાર્પણ અને આ યોજના અંતર્ગત વાવોલ, સરગાસણ તથા પેથાપુર ખાતે નિર્માણ પામનાર બીજા વધુ 2100 આવાસોનો ડ્રો કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સાંસદ હસમુખ પટેલે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી વર્ષ 2024 સુધીમાં તમામ દેશવાસીઓનું ઘરના ઘરનું સપનું સાકાર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. જે અંતર્ગત આજે ગુડા દ્વારા 300 થી વધુ પરિવારોને ગૃહપ્રવેશ કરાવ્યો છે. આ પ્રસંગે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શંભુજી ઠાકોરે જણાવ્યું હતું કે, ભાજપની સરકારમાં કોઈ લાભાર્થીઓને ઘરના સપના માત્ર દેખાડવામાં નથી આવતાં, તેમનું પોતાનું ઘરનું ઘર હોય તે સપનાને સાકાર પણ કરે છે.

મેયર હિતેષ મકવાણાએ પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં કહયું કે, આ સરકારના શાસનમાં જે કામનો આરંભ થાય છે તે કામ સમય મર્યાદામાં પુર્ણ પણ થાય છે. આ ઈડબલ્યુએસના 336 આવાસોનું નિર્માણ દોઢ વર્ષ પહેલા શરૂ થયું હતું. જે આવાસોનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું. તમામ લાભાર્થીઓને ઘરનું સપનું સાકાર થઈ ગયા બાદ હવે પોતાના બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ આપવાની વાત પર ભાર મૂક્યો હતો. તેમણે બાળકોને ભણાવવા કહ્યું હતું. તેમજ પરિવારના સુખ માટે વ્યસનમુક્ત થવા પણ અપીલ કરી હતી. વડોદરાથી પ્રધાનમંત્રીના હસ્તે ઈ-લોકાર્પણ થયા બાદ દસ જેટલા લાભાર્થીઓને પ્રતિકાત્મક ચાવી અર્પણ કરવામાં આવી હતી. લાભાર્થીઓમાં આખરે ચોમાસા પુર્વે પોતાના મકાનમાં ગૃહપ્રવેશ કરશે તેની ખૂશી હતી. હવે ભાડાના ઘરમાંથી છૂટકારો થશે, દર 11 મહિને ઘર બદલવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. મોટાભાગના લાભાર્થીઓએ પોતે અષાઢી બીજના દિવસે ઘડો મુકીને ગૃહપ્રવેશ કરશે તેવું જણાવ્યું હતું. તો આજે લાપસીના આંધણ મુકશે. કોમ્પ્યુટરાઈઝડ ડ્રોમાં જે 2100 પરિવારોને મકાન મળ્યા છે તે લોકોની પણ ઘરની ચિંતા ટળી જવા પામી છે. આ મકાનોનું નિર્માણ પણ ઝડપથી પુર્ણ થશે તેવી GUDA તંત્રએ ખાતરી આપી છે. આથી એકાદ-બે વર્ષમાં તેઓ પણ મકાનમાલિક બની જશે તે સપનું જોવાનં આજથી શરૂ કર્યું છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published.