વેરાવળ: દીકરીની ડોલી નહિં, પિતાની અર્થી ઉઠી, દીકરીનું કાલે કન્યાદાન હતું અને આજે મહેંદીવાળા હાથે પિતાને કાંધ આપી, આ તસવીરો તમને પણ રડાવી દેશે

હાલ ચાલતી લગ્નસરામાં રાજ્યમાં આગામી સપ્તાહ દરમિયાન ભરપુર લગ્નો છે. આ સમયે લગ્નમાં ઓછા લોકો હાજરી આપે તે આવશ્યક હોવાથી રાજ્ય સરકારે લગ્ન પ્રસંગમાં 100 લોકોની જ હાજરીની મંજૂરી આપી છે. 100 લોકો સાથે લગ્ન પ્રસંગ ઉકેલવાને લઈને આપેલી છૂટમાં વેરાવળનો એક પરીવાર પોતાની લાડકી દીકરીના લગ્ન કરવા જઈ રહ્યા હતા. પરંતુ લગ્નના શુભ પ્રસંગમાં જ કાળ પરીવાર પર ભમ્યો અને જ્યાં લગ્ન ગીતો ગવાતા હતા ત્યાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

આ ઘટના બની છે વેરાવળના એક વેપારીના પરીવારમાં. અહીં દીકરીના લગ્ન 7 ડિસેમ્બરે લીધા હોવાથી પરીવારમાં ઉત્સાહ હતો અને છેલ્લા કેટલાય મહિનાથી લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. લગ્નનો દિવસ આવી જતા પરીવારની દીકરીએ મહેંદી રચાવી અને લગ્ન કરી પતિ સાથે ડોલીમાં બેસી સાસરે જવાના સપના જોયા અને તે જ સમયે તેના પિતાનું અવસાન થઈ ગયું.

રવિવાર સુધી દીકરીના પિતાની તબિયત એકદમ બરાબર હતી. સોમવારે આવનાર જાનના આગમનનો ઉત્સાહ અને જાનને વધાવવાની તૈયારીમાં વ્યસ્ત પિતાની અચાનક તબિયત લથડી. તેમને તુરંત સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પરંતુ તેમની તબિયત વધારે ખરાબ થવાથી તેમને રાજકોટ સારવાર અર્થે ખસેડવાની તૈયારી કરવામાં આવી.

પરીવારના સભ્યો તેમને લઈ રાજકોટ જવા રવાના થયા પરંતુ રસ્તામાં જ 62 વર્ષીય અશોકભાઈને તીવ્ર હાર્ટ એટેક આવતાં તેમનું મૃત્યુ થયું. રાજકોટમાં સારવાર મળે તે પહેલાં ગોંડલ નજીક જ તેઓએ અંતિમ શ્વાસ લેતા તેમના મૃતદેહને મોડી રાત્રે પરત લાવવામાં આવ્યો હતો. આ ઘટનાની પરીવાર પર જાણે આભ ફાટી ગયું. મૃત્યુની ઘટના બનતાં બંને પરીવારોએ લગ્ન મુલ્તવી રાખવાનો નિર્ણય કર્યો અને 7 ડિસેમ્બર કે જે દિવસે અશોકભાઈ તેની દીકરીને વળાવવાના હતા તે દિવસે મહેંદી ભરેલા હાથે દીકરીએ પિતાને કાંધ આપી અને અંતિમ વિદાઈ આપી.

આ ઘટનાથી સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો. અશોકભાઈને કોઈ સંતાન ન હોવાથી તેણે નાના ભાઈની દીકરીને જ પોતાની દીકરીની જેમ ઉછેરી હતી. ભણતર પૂર્ણ કર્યા બાદ તે અમદાવાદમાં નોકરી કરતી હતી. આ જ દીકરીએ પોતાના પિતાને લગ્નના દિવસે અંતિમ વિદાઈ આપતા જોઈ સમાજના લોકો પણ હૈયાફાટ રુદન કરતાં જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.