
ધનશ્યામ નાયકના પિતા પ્રભાકર નાયક (પ્રભાકર કિર્તિ) તથા દાદા કેશવલાલ નાયક (કેશવલાલ કપાતર) પણ નાટ્ય અને ચલચિત્રોના કલાકાર રહી ચૂક્યા છે. તેમના વડદાદા, વાડીલાલ નાયક, શાસ્ત્રીય સંગીતના પ્રખર હિમાયતી હોવાની સાથો સાથ ધરમપુર અને વાંસદાના રાજવી પરિવારના સંગીતાલયમાં સંગીતના આચાર્ય હતા. સંગીતકાર બેલડી શંકર-જયકિશનમાંના જયકિશનના તેઓ ગુરૂ હતાઆમ, ચાર પેઢીથી તેઓનો પરિવાર કલાને સમર્પિત.
ઘનશ્યામ નાયકનો જન્મ ૧૨ મે, ૧૯૪૫ના રોજ મહેસાણા જિલ્લાનાં વડનગર તાલુકાના ઊંઢાઈ ગામમાં થયેલો. તેમણે આશરે ૧૦૦ જેટલાં નાટક અને ૨૨૩ ચલચિત્રોમાં અભિનય કરેલો છે. તેમણે બાળવયે શોભાસણ ગામે આવેલા રેવડીયા માતાના મંદિરે ભવાઇમાં સ્ત્રીપાત્ર ભજવ્યું હતું અને ત્યાર પછી મુંબઇ જઇ રામલીલામાં બાળ કલાકાર તરીકે કામ શરૂ કર્યું હતું.
તેમની સૌથી પહેલી ગુજરાતી ફિલ્મ વર્ષ ૧૯૬૮માં આવેલી હસ્તમેળાપ હતી. રમેશ મહેતાની પણ આ પ્રથમ ફિલ્મ હતી. આ ફિલ્મમાં નરેશ કનોડિયા મુખ્ય કલાકાર હતા. જ્યારે મહેશ કનોડિયાનું સંગીત હતું. તેમને પાશ્વગાયક બનવા માટે મહેશ કનોડિયાએ પ્રોત્સાહિત કર્યાં હતા. ત્યાર બાદ વેણીના ફૂલ ફિલ્મમાં પણ તેમણે કામ કર્યું હતું, જેના દિગ્દર્શક મનુકાન્ત પટેલ છે. તેમણે ડોશીમાંના અવાજમાં દાદીમાં અનાડી ગીત ગાયું હતું. અત્યાર સુધીની કારકિર્દીમાં તેમણે સુમન કલ્યાણપુર, મહેન્દ્ર કપૂર, આશા ભોંસલે, પ્રિતી સાગર સહિતના ખ્યાતનામ કલાકારો સાથે ગીતો ગાયા છે જેમાં હાસ્ય ગીતોનો પણ સમાવેશ થાય છે. આખરે 63 વર્ષે તેમણે સફળતા મળી અને એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું.
2008માં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ મળ્યા બાદ જીવન પૂરી રીતે બદલાઈ ગયું મેં આઠ વર્ષની ઉંમરમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. 63 વર્ષની ઉંમરમાં મને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કામ કરવાની તક મળી. આ પહેલાં ઘણો જ સંઘર્ષ કર્યો હતો. હું પડોશીઓ પાસેથી ઉધાર પૈસા લઈને ઘરનું ગુજરાન ચલાવતો હતો. અનેક કલાક કામ કરતો ત્યારે 3 રૂપિયા મળતા. 2008માં જ્યારે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલ મળી ત્યારે જીવન એકદમ બદલાઈ ગયું. અંદાજે 350 હિંદી-ગુજરાતી ફિલ્મ કરી તો પણ મને એ ઓળખ ના મળી જે ‘તારક મહેતા..’એ અપાવી હતી. હવે હું કામ કર્યા વગર આરામથી ઘર ચલાવી શકું છું.